ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધને લઈ સુપ્રીમના નિર્ણય પર રાહુલે કહ્યું-મોદીની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો
સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, બી.આર.ગવઈ, જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આજે સર્વસંમત્તિ સાથે ચુકાદો સંભળાવી ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડર એક્સ પર લખ્યું કે, ‘નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ભાજપે ઈલેક્ટોરલ બોન્ડને લાંચ અને કમીશન લેવા માટેનું માધ્યમ બનાવી દીધું હતું, હવે આ બાબત પર મહોર વાગી ગઈ છે. ચૂંટણી બોન્ડ અંગે કોર્ટના નિર્ણય અંગે કોંગ્રેસનેતા જયરામ રમેશે એક્સ પર લખ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે મોદી સરકાર દ્વારા ખૂબ પ્રચાર કરાયેલ ચૂંટણી બોન્ડ યોજનાને સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો ઉપરાંત ભારતના બંધારણ બંનેનું ઉલ્લંઘન માન્યું છે. અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. કોર્ટનો નિર્ણય નોટો પર વૉટની શક્તિને મજબૂત કરશે. મોદી સરકાર દાન આપનારાઓને વિશેષાધિકાર આપી અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે.’