પ્રાકૃતિક કૃષિ જ આગામી સમયમાં ખેડૂતો માટે લાભદાયી પૂરવાર થશે : ઠાકરશીભાઈ ધાનાણી
ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે બહોળા પ્રમાણમાં ખેડૂતોને જાણકારી મળે તે માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામના ધાનાણી ઠાકરશીભાઈએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. ધાનાણી ઠાકરશીભાઈએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સુભાષ પાલેકરની પ્રેરણાથી મારા ૧૦ વીઘા જમીનમાં આંબા, ચણા સહિતની ખેતપેદાશોમાં પ્રાકૃતિક ખેતી કરું છું. છેલ્લા છ વર્ષથી આંબાનાં બગીચામાં આંબામાં એકપણ છોડ પર રોગ આવ્યો નથી તેનું કારણ હું જીવામૃતનો છંટકાવ કરીને ઉપયોગ કરુ છું તે છે. મારી જમીન પોચી રહે તે માટે છેલ્લા ઘણાં સમયથી હું મારા ખેતરમાં ટ્રેક્ટરથી ખેડ કરતો નથી. જેથી મારૂ ખેતર પણ પોચું રહે છે અને વધુ ઉત્પાદન મળે છે.
છેલ્લા છ વર્ષથી મેં યુરિયા ડીએપી જેવા ખાતરોનો વપરાશ કરવાનું બંધ કર્યુ છે. પ્રાકૃતિક કૃષિથી ઓછા ખર્ચથી મબલખ પાક મેળવું છું. હું એક એકરમાં ૬૦૦ લીટર જીવામૃત છાંટીને ચણા સહિતની ખેતપેદાશોમાં ઓછા ખર્ચ વધુ ઉત્પાદન મેળવું છું અને આ ઉત્પાદનોનો બજારમાં બીજા કરતાં વધુ ભાવ મેળવું છું.
વધુમાં ઠાકરશીભાઈએ જણાવ્યું હતું કે, ગાય આધારિત જીવામૃત પ્રાકૃતિક ખેતી કરવાથી મિત્ર કિટક એ શત્રુ કિટકને મારે છે, જેથી પાકમાં રોગનો ઉપદ્રવ ઘટે છે, સૂક્ષ્મ જીવાણુઓ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જીવામૃત માટે મે મારા ખેતરમાં છ મોટા અને દસ નાના એમ કુલ સોળ ડ્રમ પણ તૈયાર રાખ્યા છે. તેમજ ઉત્સાહી ઠાકરશીભાઈએ ગાગરમાં સાગર ભરવાની તેમની વાતને ટૂંકાવતા પોતાનો મોબાઈલ નંબર પર સંપર્ક કરવા ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતું. જેથી જે ખેડૂતોને આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તેમનો સંપર્ક કરીને મેળવી શકે. ઠાકરશીભાઈએ પ્રાકૃતિક કૃષિ જ આગામી સમયમાં ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે તેના અનેક ઉદાહરણો રજૂ કર્યા હતા.