મુખ્યમંત્રી પટેલ આજે વિંછીયા ખાતેથી સૌની યોજનાના 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તા.16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલી છે. આ યોજના અન્વયે 4 લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે. તદઅનુસાર લિંક-4 દ્વારા પાછલા 4 વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી એમ 4 તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ, 14 તળાવ અને 7 જળાશયમાં કુલ મળીને 4435 મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે.