મોટા ચિલોડા સર્કલ પાસે એક ટ્રક ખોટકાતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો
આજે સવારે શુક્રવારના રોજ ગાંધીનગરના મોટા ચીલોડા સર્કલ પર એક ટ્રક વચ્ચોવચ ખોટકાતાં થોડા સમય માટે મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે ઘણા ભારે અને નાના વાહન ચાલકો અટવાયા હતા. ચિલોડાથી ગાંધીનગર તરફ જવાના રોડ પર ચિલોડા મેન સર્કલ પાસે એક ટ્રક અગમ્ય કારણોસર બંધ પડી ગયો હતો. ટ્રક સર્કલ વચ્ચોવચ અટકાતા ભારે અને નાના વાહનોની કતારો લાગી હતી. હિંમતનગર તરફથી અમદાવાદ જતાં અને દહેગામ તરફથી ગાંધીનગર-અમદાવાદ જતાં તથા ગાંધીનગરથી અન્ય જગ્યાએ જતાં વાહન ચાલકો આ સર્કલ પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાતા અટવાયા હતા. ટ્રાફિક જામ સર્જાતા ચિલોડાની સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ અને સેવાભાવિ વ્યક્તિઓએ આ ટ્રકને રોડની બાજુમાં ખસેડવાનું કામ હાથ ધર્યા બાદ ટ્રાફિક જામ હળવો કરવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી લોકોએ જાતે વાહનોના જામને વારાફરતી પસાર કરાવવાની ફરજ બજાવતા નજરે પડ્યા હતા. આ ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ ફસતા પોલીસ કર્મીઓએ સફળતા પૂર્વક એમ્બ્યુલન્સને રસ્તો ક્રોસ કરાવ્યો હતો.