ગૌરક્ષકોને ગુંડા કહેનારા નરેન્દ્ર મોદીનું હૃદયપરિવર્તન સમજાતું નથી: VHP
અમદાવાદ, રવિવાર
આ દેશમાં ગાયો કસાઇઓનો ભોગ બનેલી છે. ગૌરક્ષકો રાતના ગુંડાનો વેષ ધારણ કરીને આવે છે તેવા નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદનથી ગૌભક્તોને આઘાત લાગ્યો છે. ગૌરક્ષકને ગુંડા કહેનારા નરેન્દ્ર મોદીનું હૃદય પરિવર્તન સમજાતું નથી તેવા નિવેદન સાથે વિશ્વ હિંદુ પરિષદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
વડાપ્રધાને છેલ્લા સતત બે દિવસ દરમિયાન ગૌરક્ષકો વિરુદ્ધ નિવેદન આપતા વિશ્વ હિંદુ પરિષદે સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘દેશમાં દર વર્ષે ૧ લાખથી વધારે ગાયોની કતલ થાય છે. આજે પણ દેશભરમાં ગૌહત્યા બંધીનો સંસદ દ્વારા કાયદો પસાર કરવામાં આવ્યો નથી. અત્યારસુધીમાં કસાઇઓ દ્વારા ગીતાબહેન રાંભીયા સહિત હજારો ગૌરક્ષકોની બરહેમીથી હત્યા કરવામાં આવેલી છે. આ દેશમાં ગાયો કસાઇઓનો ભોગ બનેલી છે. ગૌરક્ષકો રાતના ગુંડા અને દિવસે ગૌરક્ષકોના કપડા પહેરીને આવે છે તેવા નરેન્દ્ર મોદીના વક્તવ્યથી દેશની ૧૫ કરોડ ગાય અને ગૌભક્તોને આઘાત લાગ્યો છે. આ નિવેદન બાદ બાદ વડાપ્રધાનને એટલું જ પૂછવાનું કે ગીતાબહેન રાંભીયા ગુંડા હતા? નરેન્દ્ર મોદીની આ ભાષા ગાયોનો આદર કરનારી નથી.
અમારું સ્પષ્ટપણે માનવું છે કે પોલીસ ચોરને પકડવા દોડે છે ત્યારે ચોરનો વિરોધ ન કરતા પોલીસને ગુંડા કહેવા એ ચોરને છાવરવાનો જ પ્રયાસ છે. ૧ લાખ ગાયોની હત્યા કરનારા કસાઇઓને ગુંડા ન કહેવા અને ગીતાબહેન રાંભીયા જેવા ગૌરક્ષકોને ગુંડા કહેવા, હિન્દુ સમાજને નરેન્દ્ર મોદીનું આ હૃદય પરિવર્તન સમજાતું નથી. વડાપ્રધાને તેમના વક્તવ્યમાં ગાયને પ્લાસ્ટિક ખાતું રોકવાની ગૌરક્ષકોને સલાહ આપી છે. આ જવાબદારી તો રાજ્ય સરકારની છે. આપના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકીને ગાયોને બચાવવાનો કેટલો પ્રયાસ કર્યો એ નરેન્દ્ર મોદી જણાવવાની તસ્દી આપશે. નરેન્દ્ર મોદી ગાય માતાની માફી માગે હવે હદ થાય છે.’
દરમિયાન આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડો. પ્રવીણ તોગડીયાએ આજે અમદાવાદ ખાતે એક સમારંભ દરમિયાન પણ જણાવ્યું હતું કે ‘ધર્મ તમારી રક્ષા કરશે પણ પહેલા તમારે ધર્મની રક્ષા કરવી પડશે. પશુરક્ષાથી દેશરક્ષા થશે. ગાય બિકેગી નહીં તો ગાય કટેગી નહીં. એવી જાગૃત્તિ લાવો કે કોઇ પશુ વેચે જ નહીં. ‘
નરેન્દ્ર મોદીને પગલા લેવાથી કોણ રોકતું હતું
નરેન્દ્ર મોદીએ તેમના નિવેદનમાં ૮૦ ટકા ગૌરક્ષકોને બનાવટી કહ્યા હતા. જેની સામે વીએચપીએ જણાવ્યું છે કે ‘નરેન્દ્ર મોદી કહે છે કે ૮૦% ગૌરક્ષકો બનાવટી છે. તમારા ૧૦ વર્ષના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કેટલા આવા બનાવટી ગૌરક્ષકોને ન્યાયિક પ્રક્રિયાથી દંડ આપી તેમને ગુંડા સિદ્ધ કર્યા ? મુખ્યમંત્રીને આ બનાવટી ગૌરક્ષકો પર પગલા લેવાથી કોણ રોકતું હતું?