મુંબઈમાં અંડરવૉટર સી ટનલમાં ઉદઘાટનના બે મહિનામાં જ લીકેજ
મુંબઈનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ પૈકી મુંબઈ મહાનગરપાલિકાએ 14 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલા કોસ્ટલ રોડમાં ટનલમાં ગળતર શરૂ થતો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો હતો. હજુ તો આ કોસ્ટલ રોડ ની એક લેન શરુ થયે માડ બેથી અઢી મહિના થયા છે ત્યાં કોસ્ટલ રોડમાં થયેલા ગળતરની ગંભીર નોંધ લઈને છેક મુખ્યપ્રધાન એકનાથ શિંદે ખુદ જાત તપાસ માટે દોડતાં મહાપાલિકાનું સમગ્ર તંત્ર રઘવાયું બન્યું હતું.
મુખ્યપ્રધાને મહાપાલિકાને તત્કાળ અને કાયમી સ્વરુપે આ લીકેજ બંધ કરવા આદેશ આપ્યા છે. જોકે, સાથે સાથે એવો દાવો પણ થઈ રહ્યો છે કે ટનલના ઉપરી આવરણમાં જ ગળતર છે અને મૂળ સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી. મહાપાલિકાના અધિકારીઓએ એક રાતમાં જ સમારકામ કરી ગળતર અટકાવી દેવાયું હોવાનો દાવો કર્યો હતો. જોકે, સીએમની આજની મુલાકાત દરમિયાન પણ ગળતના ચિહ્નો જણાયાં હતાં.
મુંબઈ કોસ્ટલ રોડનો પૂરેપૂરો તૈયાર ન થયો હોવા છતાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાભ ખાટવા ખાતર ગઈ તા. 11મી માર્ચથી વરલીથી મરીન ડ્રાઈવ સુધીનો એક તરફી માર્ગ જ ખોલવામાં આવ્યો છે. 11 કિ.મી. લાંબા અંતરમાં 2.07 કિલો મીટર લાંબી ટનલ બાંધી છે. જેમાં પ્રવાસ સડસડાટ થાય છે. આ ટનલમાં અત્યારથી જ ગળતર શરુ થઈ ગયું છે તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ સાથે જસમગ્ર મહાપાલિકા તંત્ર ગળતરની વાત પર ઢાંકપિછોડો કરવામાં વ્યસ્ત થઈ ગયું હતું. જોકે, આજે સીએમ એકનાથ શિંદે ખુદ ટનલ પર પહોંચ્યા હતા અને ગળતર વિશે જાત માહિતી મેળવી હતી. તેમણે પાલિકા અધિકારીઓને સ્થળ પર જ કાયમી રિપેરિંગના આદેશો આપ્યા હતા. આ ગળતર શા કારણે થઈ રહ્યું છે તે હજુ સ્પષ્ટ નથી. જોકે, મહાપાલિકાના સૂત્રોના દાવા અનુસાર શરુઆતથી જ ટનલમાં બે એક્સાન્શન જોઈન્ટ વચ્ચે કેટલીક જગ્યા છોડવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર મુંબઈગરા કોસ્ટલ રોડના ગળતર વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે એવા સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી આવવાની હોવાથી તે પહેલાં રિબન કાપવાની ઉતાવળમાં ક્યાંક કાચું તો નથી કપાયું ને? કોસ્ટલ રોડ અધૂરો જ શરુ કરાયો છે. એક લેન તે પણ વીક ડેઝમાં જ અને તે પણ દિવસ દરમિયાન જ ચાલુ રાખી બાકીના સમય દરમિયાન અધૂરું કામ આગળ ધપાવાશે તેવી જાહેરાત કરાઈ હતી.