ઇસરો સ્કાય ક્રેન દ્વારા મંગળની ધરતી પર રોવર ઉતારશે લાલ ગ્રહના વાતાવરણમાં ‘માર્બલ’ હેલિકોપ્ટર પણ ઉડાડશે
બેંગલુરુ/મુંબઇ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) હવે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ અને અત્યાધુનિક ટેકનોલોજીના પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરો ચંદ્ર વિજય બાદ હવે ભાવિ માર્સ મિશન -૨ પ્રાજેક્ટમાં સ્કાય ક્રેન, રોવર, હેલિકોપ્ટરનો અત્યાધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કરશે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમે માર્સ મિશન -૨ એટલે કે મંગળયાન-૨ની પણ તૈયારી કરી રહ્યા છીએ.અમે માર્સ મિશન -૨માં સૂર્યમંડળના રાતા ગ્રહ મંગળની ધરતી પર ખાસ પ્રકારનું રોવર(ઠેલણગાડી) ઉતારવા ઇચ્છીએ છીએ. સાથોસાથ મંગળના વાતાવરણમાં નાનકડું પણ અત્યાધુનિક ટેકનોલોજીવાળું હેલિકોપ્ટર પણ ઉડાડવાનો મહત્વાકાંક્ષી પ્રયોગ સુદ્ધાં કરીશું.
મંગળના અત્યંત પાતળા વાતાવરણમાં પહેલી જ વખત ઉડનારા ભારતના એટલે કે ઇસરોના આ ભાવિ હેલિકોપ્ટરનું નામ માર્બલ(માર્શિયન બાઉન્ડરી લેયર એક્પ્લોરર) છે.
સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (નાસા) જ મંગળની ધરતી પર રોવર ઉતારવા માટે અત્યાધુનિક ટેકનોલોજીવાળી સ્કાયક્રેનનો સફળ પ્રયોગ કર્યો છે. નાસાએ ૨૦૧૨ની ૫,ઓગસ્ટે અત્યાધુનિક ટેકનોલોજી સાથેની પેરાશ્યુટ(જેને સ્કાયક્રેન પણ કહેવાય છે)ના ઉપયોગથી ક્યુરિયોસિટી નામના રોવરને મંગળના ગેલે ક્રેટર(ગેલે નામનો ઉલ્કાકુંડ) નજીક સફળતાથી ઉતાર્યું છે.
ઉપરાંત, નાસાનું તો ૨૦૨૧ની ૧૮,ફ્રેબુ્રઆરીએ તેના પર્સીવરન્સ રોવરને પણ મંગળના જેઝેરો ઉલ્કાકુંડ નજીક સફળતાથી ઉતર્યું છે. આ જ પર્સીવરન્સ રોવર સાથે ઇેન્જેન્યુઇટી નામનું અત્યાધુનિક ટેકનોલોજીવાળું હેલિકોપ્ટર પણ જોડવામાં આવ્યું હતું. ૧૯,ફેબુ્રઆરીએ પર્સીવરન્સ રોવરમાંથી આપમેળે બહાર નીકળીને ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટરે પહેલી જ વખત મંગળના વાતાવરણમાં ૩૯ સેકન્ડ્ઝ સુધી ઉડીને અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
હવે નાસા બાદ ભારત પણ મંગળની ધરતી પર ખાસ પ્રકારનું રોવર ઉતારશે. ઉપરાંત, મંગળના વાતાવરણનો સંશોધનાત્મક અભ્યાસ કરવા વિશિષ્ટ પ્રકારનું હેલિકોપ્ટર ઉડાડવાનો પણ પ્રયોગ કરશે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે આમ તો મંગળની લાલ રંગી ધરતી પર લેન્ડર ઉતારવા માટે એરબેગ અને રેમ્પ વગેરે પરંપરાગત અને આધુનિક ટેકનોલોજી તથા પદ્ધતિઓ છે ખરી. જોકે સ્કાયક્રેનની મદદથી રોવરને ઉભી સ્થિતિમાં અને બહુ જ હળવાશથી મંગળની ધરતી પર સફળતાથી ઉતારી શકાશે.
રોવરમાં પણ અત્યાધુનિક વૈજ્ઞાાનિક ઉપકરણો હશે.આ ઉપકરણોની મદદથી લાલ ગ્રહની ધરતી, તેની માટીમાંનાં કુદરતી રાસાયણિક તત્ત્વો, ભૂતકાળની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ વગેરે પાસાંનો સંશોેધનાત્મક અભ્યાસ થશે ઉપયોગી માહિતી મળશે.
હાલ ઇસરોના કુશળ વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરો સ્કાય ક્રેનની અને હેલિકોપ્ટરની ડિઝાઇન અને ટેકનોલોજી તૈયાર કરવામાં વ્યસ્ત છે. સ્કાય ક્રેનની અને હેલિકોપ્ટરની ટેકનોલોજી અને ડિઝાઇન તૈયાર કરવામાં મંગળના સાવ જ પાતળા પડી ગયેલા વાતાવરણ સહિત અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવાં જરૂરી છે.
ભારતના એટલે કે ઇસરોના આ ભાવિ હેલિકોપ્ટરનું નામ માર્બલ છે. આમ તો આ પ્રકારના હેલિકોપ્ટરને રોટોક્રાફ્ટ પણ કહેવાય છે. આપણું માર્બલ મંગળના વાતાવરણમાં(સપાટીથી) ૧૦૦ મીટર(૩૦૦ ફૂટ)ની ઉંચાઇએ ઉડી શકે તેવી તેની ક્ષમતા હશે.સાથોસાથ લાલ ગ્રહના વાતાવરણનો સંશોધનાત્મક અભ્યાસ કરવા માર્બલમાં અત્યાધુનિક વૈજ્ઞાાનિક ઉપકરણો પણ હશે.
ઇસરોનાં સૂત્રોએ એવી ખાસ માહિતી પણ આપી છે કે માર્સ મિશન -૨ અવકાશયાન રાતા ગ્રહ ભણી રવાના થાય તે પહેલાં અમે પૃથ્વી-મંગળ વચ્ચે રીલે કોમ્યુનિકેશન સેટેલાઇટ પણ તરતો મૂકીશું.આ સેટેલાસટની મદદથી પૃથ્વી અને મંગળ વચ્ચે સંદેશા વ્યવહાર સરળતાથી થઇ શકશે.