ગાંધીનગરમાં ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોનનું આયોજન, વરસાદમાં પણ લોકોનો ઉત્સાહ અકબંધ
ગાંધીનગર: રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે ‘સન્ડે ઓન સાયકલ’ સાયક્લોથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત-ગુજરાત’ના મુખ્ય ધ્યેય સાથે યોજાયેલી આ સાયક્લોથોનને ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે LIC ગ્રાઉન્ડથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું.
આશ્ચર્યજનક રીતે, વહેલી સવારે ભારે વરસાદ હોવા છતાં, મોટી સંખ્યામાં નગરજનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાયક્લિસ્ટોએ વરસાદની પરવા કર્યા વગર સાયકલ ચલાવીને ‘ફિટ ઈન્ડિયા’ અને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો. આ પ્રસંગે, મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાયક્લોથોન બાદ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ નાગરિકોને જીવનમાં રમતગમતના મહત્વ વિશે માહિતગાર કર્યા અને ઉત્સાહપૂર્વક રસ્સાખેંચની રમતમાં ભાગ લીધો. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને નિયમિતપણે રમતગમતને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કરવાનો હતો.