ગાંધીનગર: કોલવડામાં જૂની અદાવતે ખેડૂત પર શખ્સોનો જીવલેણ હુમલો
ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં જૂની અદાવતને કારણે એક ખેડૂત પર કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ખેડૂતને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોલવડા ગામના પ્રવિણસિંહ દીવાનજી ઠાકોર નામનો એક ખેડૂત શુક્રવારની રાત્રે પોતાના ગામની ભાગોળે આવેલા મિત્રની દુકાન બહાર બેઠા હતા. તે સમયે એક અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો, જેમાં ફોન કરનારે પોતાની ઓળખ જયદીપ ઉર્ફે ઉંધી પલાજી તરીકે આપી અને ત્યાં જ બેસી રહેવા કહ્યું.
થોડીવાર બાદ, એક કાર પ્રવિણસિંહ પાસે આવી અને તેમાંથી જયદીપ ઉર્ફે ઉંધી, વિશાલસિંહ વાઘેલા અને અન્ય બે અજાણ્યા શખ્સો બહાર આવ્યા. જયદીપના હાથમાં દાંતી હતી અને તેણે જૂની અદાવતને કારણે પ્રવિણસિંહ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી. જ્યારે પ્રવિણસિંહે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે જયદીપે દાંતી વડે તેમના ડાબા હાથની હથેળી પર હુમલો કર્યો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ. હુમલાખોરોએ પ્રવિણસિંહને “હવે પછી અમારી સામે આવીશ તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા.
આ ઘટના બાદ, પ્રવિણસિંહના ભત્રીજા તેમને તાત્કાલિક ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.