સે-૪સીનો ખાડો ગંદા પાણીનું તળાવ બન્યું!
ગાંધીનગર,રવિવાર
ગાંધીનગર શહેરના ખ માર્ગ ઉપર આવેલાં સેક્ટર-૪ સીના ખુણા પાસે થોડા સમય અગાઉ ખાડો ખોદવામાં આવ્યો હતો. તેનું યોગ્ય સમયે પુરણ કરવામાં નહીં આવતાં આ ખાડાએ ગંદા પાણીના તળાવનું સ્વરૃપ ધારણ કર્યું છે. વરસાદી પાણીની સાથે સાથે ગંદો કચરો પણ ઠાલવવામાં આવી રહ્યો છે. જેના પગલે આસપાસના રહિશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
પાટનગરના પ્રવેશદ્વાર સમા ખ માર્ગ ઉપર અસંખ્ય વસાહતી વિસ્તારો આવેલાં છે. આ માર્ગ ઉપર મહાત્મા મંદિર હોવાથી અવાર નવાર વીઆઇપીઓની પણ અવર જવર થતી હોય છે. ત્યારે તંત્ર વીઆઇપીઓની સરભરા વખતે આ માર્ગની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખે છે પરંતુ ખ-ર ચોકડી પાસે સેક્ટર-૪સીમાં થોડા સમય અગાઉ ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ તેનું યોગ્ય સમયે પુરાણ કરવામાં નહીં આવતાં હાલમાં આ ખાડાએ તળાવનું સ્વરૃપે ધારણ કર્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગંદો કચરો પણ ઠાલવવામાં આવી રહ્યો છે. ઉપરાંત ચોમાસાની મોસમમાં આજુ બાજુના વિસ્તારનું પાણી પણ આ તળાવ જેવા ખાડામાં આવે છે.
ગંદા પાણીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં અસહ્ય ગંદકીના વચ્ચે મચ્છરો અને માખી તેમજ ઝેરી જીવાતનું પ્રમાણ વધી ગયું છે. વરસાદી મોસમમાં પાણી ભરાતાં ગત વર્ષે એક કિશોરનું મૃત્યુ પણ થયું હતું. જે અંગે સ્થાનિક કોર્પોરેટર પાયલબેન મેણાત દ્વારા તણાવના પુરાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે, તાત્કાલિક આ ખાડાને પુરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભયકર રોગચાળો ફેલાવવાની દહેશત પણ સેવાઇ રહી છે. આસપાસના સ્થાનિક રહિશો પણ હાલમાં રોગચાળાના ભય વચ્ચે વસવાટ કરી રહ્યાં છે.