ગાંધીનગર

ગાંધીનગરમાં રોગચાળાની ગંભીર સ્થિતિ

ગાંધીનગર,રવિવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી બીનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી છે. જેના પગલે તાવ, શરદી, ઉધરસ અને કફ સહિતની વાયરલ બીમારીઓ તો વધી જ છે જેના કારણે સિવિલ ઉભરાઇ રહી છે. એટલુ જ નહીં, સિવિલમાં તાવના દર્દીઓથી બન્ને મેડિકલ વોર્ડ ભરાઇ જતા દર્દીઓને અન્ય વોર્ડમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. તો બીજીબાજુ પાણીજન્ય ગણાતા કમળો અને ટાઇફોઇડના કેસ પણ જુલાઇ અને ઓગસ્ટ માસમાં વધુ જોવા મળી રહ્યા છે. જેમાં જુલાઇ માસ દરમિયાન કમળાના ૧૩૩ જેટલા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ટાઇફોઇડના ૫૭ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. વરસાદી વાતાવરણમાં મેલેરિયાના ૩૮ કેસ જ્યારે ડેન્ગ્યુના સિવિલ હોસ્પિટમાં એક માસ દરમિયાન બે કેસ નોંધાયા છે.

સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝન પુરબહારમાં ખીલી છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદની ઘટ હોવાની સાથે સાથે સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે બીનઆરોગ્યપ્રદ ઋતુ પણ નગરમાં જોવા મળી રહી છે. વરસાદી અને વાદળછાયા માહોલ સાથે વાયરલ બીમારીઓ તો સીધી રીતે વધી જ છે પરંતુ પાણીજન્ય અને વાહકજન્ય, મચ્છરજન્ય રોગના દર્દીમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે.તાવ સહિત કફ, શરદી, ઉઘરસ અને ગળામાં બળતરા જેવી વાયરલ બીમારીઓ લગભગ ઘરે ઘરે છે જેના કારણે શહેર અને જિલ્લાના સરકારી તેમજ ખાનગી દવાખાના બહાર દર્દીઓના લાંબી કતારો જોવા મળે છે. જ્યારે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલમાં તાવના દર્દીઓથી નવી બિલ્ડીંગમાં હયાત મેલ અને ફિમેલ મેડિકલ એમ બન્ને વોર્ડ ફૂલ થઇ ગયા છે અને ફ્લૂના દર્દીઓને ઇએનટી સહિતના અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

તો બીજીબાજુ પાણીજન્ય રોગના દર્દીઓ ઉપર નજક રીએ તો,આ સિઝનમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામાન્યરીતે વધેતા હોય છે. ત્યારે ગત અઠવાડિયા દરમિયાન સિવિલમાં ૪૨ કમળાના દર્દી નોંધાયા હતા જ્યારે જુલાઇ માસ દરમિયાન દર્દીઓ ૧૩૩ જેટલા નોંધાયા છે.આવી જ રીતે ટાઇફોઇડના કેસ પણ ગત માસ દરમિયાન ૫૭થી પણ વધુ નોંધાયા છે. આ તમામ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. જ્યારે કોલેરાના બે દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જો કે, આ બન્ને દર્દીઓ ગાંધીનગર જિલ્લાની બહારના વતની હોવાનું પણ બહાર આવ્યું છે.

વાયરલ અને પાણીજન્ય રોગના દર્દીઓની સાથે સતત વરસાદી વાતાવરણ અને પાણી ભરાઇ રહેવાને કારણે નગરમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે મેલેરિયાના કેસ પણ ખાસ જોવા મળે છે.

ગત સપ્તાહમાં મેલેરિયાના ૧૮ કેસ હતા જ્યારે જુલાઇ માસમાં ૩૮ કેસ ફક્ત સિવિલમાં નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના બે દર્દીઓ પોઝિટિવ આવ્યા છે.ત્યારે આવનારા દિવસમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સાથે સાથે ચિકનગુનીયા જેવા મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ પ્રકાશમાં આવશે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જ દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x