ભાજપના રાજમાં જ ૨૪,૧૭૨ કિલોથી વધુ ગૌમાંસ ઝડપાયું
અમદાવાદ ,સોમવાર
સમઢિયાળામાં મૃત પશુઓના ચામડા ઉતારવાના મુદ્દે ગૌરક્ષકોએ દલિતોને જાહેરમાં ઢોર મારવાનો મુદ્દાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૌરક્ષાના નામે ગૌરક્ષકો દુકાનો ચલાવી રહ્યાં છે તેવુ નિવેદન કરતાં વીએચપી સહિતની સંસ્થાઓ ભડકી છે. ચૂંટણીમાં હિન્દુત્વના નામે મતો માંગનાર ભાજપના રાજમાં જ ગૌમાંસની બિન્દાસપણે હેરાફેરી થઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ૨૪,૧૭૨ કિલો ગૌમાંસ ઝડપાયું છે.
ગૌરક્ષાની વાતો કરી હિન્દુઓની લાગણી ભડકાવી મતો મેળવનાર ભાજપના શાસનમાં જ ખુલ્લેઆમ ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, ભાજપની કરણી કથનીમાં જમીન આસમાનનો ફરક છે. એક તરફ, ગૌરક્ષા, હિન્દુત્વની વાતો કરવાની, બીજી તરફ, કસાઇઓને છૂટો દોર મળ્યો છે. પાંચ વર્ષમાં રાજ્યમાંથી ૬૬ ગેરકાયદે કતલખાના પકડાયાં છે. ભાજપના રાજમાં જ ખુલ્લેઆમ ગાયોની ચોરીઓની ઘટનાઓ બની રહી છે.
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે,રાજ્યમાં ૬૬૭ ગૌશાળા પૈકી માત્ર ૩૦ ટકા ગૌશાળાને જ ભાજપ સરકાર નજીવી સહાય આપે છે.આ ઉપરાંત પશુઓની હેરાફેરી રોકવા, ગેરકાયદેસર કતલ અટકાવવા એનિમલ વેલ્ફેર બોર્ડની બેઠક પણ મળતી નથી. આમ, ભાજપ ગૌરક્ષાની વાતો કરીને મોંઘવારી સહિત અન્ય સળગતી સમસ્યાઓથી ધ્યાન હટાવવા પ્રયાસો કરી રહી છે.