ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 2024નું આયોજન
અમદાવાદ સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી તેમજ ગુજરાત ચેસ એસોસિયેશન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સંયુક્ત સહયોગથી સ્ટુન્ડટ ચેસ ફેસ્ટિવલ 2024નું આયોજન
*****
ચેસ સ્પર્ધા દરમિયાન 5 લાખ રૂપિયા સુધીના ઈનામો આપવામાં આવશે, 600 વિજેતાઓને કેશ પ્રાઈઝ અને નિઃશુલ્ક ચેસ કોચિંગનો લાભ મળશે
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના સહયોગથી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન સાયન્સ સિટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ ચેસ ફેસ્ટિવલમાં અમદાવાદ સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો છે.
સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલમાં કુલ પાંચ લાખ રૂપિયાના ઈનામો વિજેતાઓને આપવામાં આવશે. ચેસ સ્પર્ધામાં ગુજરાતના 25 વર્ષથી નાના શાળા અને કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો ભાગ લઈ શકશે. 600 વિજેતાઓેને કેશ પ્રાઈઝ અને નિઃશુલ્ક ચેસ કોચિંગનો લાભ મળશે.
આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે. જેમાં પ્રથમ કેટેગરીમાં 11 વર્ષથી નાના બાળકો, બીજી કેટેગરીમાં 12થી 17 વર્ષની વયજૂથ અને ત્રીજી કેટેગરીમાં 18થી 25 વર્ષ વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકશે.
સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ રાજ્યભરના બાળ અને યુવા ચેસ ખેલાડીઓને તેમની કુશળતા દર્શાવવા માટેનું એક સારું પ્લેટફોર્મ પૂરું પાડશે. રોકડ ઈનામોની સાથે કુશળતા ધરાવતાં ચેસ ખેલાડીઓને ગુજરાત ચેસ એસોસિયેશનના નિષ્ણાંત ચેસ કોચ પાસેથી નિઃશુલ્ક તાલીમ મળશે, જે તેમની પ્રતિભાને નિખારવામાં મદદરૂપ થશે.
ચેસ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરની વેબસાઈટ www.cugujarat.ac.in અને ગુજરાત ચેસ એસોસિયેશનની www.gsca.in ઉપરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 21 નવેમ્બર 2024 સુધીની છે.