ટેક્નોલોજીના દાવા પોકળ: ભાજપ યુવા મોરચાએ 4 વર્ષથી વેબસાઇટ જ અપડેટ કરી નથી!
તારાપુર: ભાજપ પક્ષ તથા તેના મુખ્ય નેતાઓ વાયબ્રન્ટ દેશ તથા હાઇટેક યુગની મોટી મોટી વાતો કરી રહ્યાં છે. પરંતુ ગુજરાત ભાજપ યુવા મોરચાને આજે પણ વેબસાઇટ અપડેટ કરવામાં કોઇ જ રસ જણાતો નથી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી તથા પ્રદેશ પ્રમુખ તરીકે આર.સી.ફળદુના ફોટો હોમપેજ પર દર્શાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી બદલાયે ત્રણ વર્ષ થઇ ગયા ત્યારબાદ મુખ્યમંત્રી પણ બદલાઇ ગયા અને બે દિવસ અગાઉ નવા મુખ્યમંત્રી વરાયા તેમ છતાં હાઇટેક યુગની વાતો કરતા ભાજપનું યુવાધન જ ઉંઘતું ઝડપાયું છે. આ ઉપરાંત મહિલા મોરચાની વેબસાઇટ પણ ઘણા સમયથી અપડેટ કરવામાં આવી નથી.
ભાજપ દુનિયાની સૌથી મોટી પોલિટીકલ પાર્ટી તરીકે છવાઇ ગઇ છે
ગુજરાતમાં છેલ્લા વીસેક વર્ષથી વાયબ્રન્ટ અને હાઇટેક યુગની વાતો કરીને ભાજપ સતત ચૂંટાઇ આવી ગુજરાત થકી દિલ્હીની ગાદી મેળવી છે. આ વીસ વર્ષમાં ભાજપ દ્વારા સત્તા મેળવવા માટે કરવામાં આપેલા વચનો પોકળ સાબિત થઇ રહ્યાં છે. હાલ તો ભાજપ દુનિયાની સૌથી મોટી પોલિટીકલ પાર્ટી તરીકે છવાઇ ગઇ છે. ભાજપના નેતા હાઇટેક યુગની વાતો કરે છે અને પોતાની પાસે યુવારૂપી કાર્યકરોનું મોટું ધન છે. તેઓ થકી જ દેશને હાઇટેક યુગમાં લઇ જવાની વાતો કરે છે. પરંતુ વેબસાઇટ અને સોશ્યલ સાઇટનો માત્ર ચૂંટણી પૂરતો જ હાઇટેક યુગ અપનાવીને લોભામણા મેસેજો પ્રજા સમક્ષ મૂકીને લોકોને ગેરમાર્ગે દોરી ચૂંટાઇ આવ્યા હોવાનો ભાસ આમ જનતાને થઇ રહ્યો છે.
યુવા મોરચાની ટીમ જ વેબસાઇટ પર ઉંઘતી ઝડપાઇ
હાઇટેક યુગની વાતો કરતા ભાજપ પક્ષની યુવા મોરચાની ટીમ જ વેબસાઇટ પર ઉંઘતી ઝડપાઇ છે. ગુજરાત બીજેપી યુવા મોરચાની વેબસાઇટ bjymgujarat.org પર હાલ પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દર્શાવેલ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે આર.સી.ફળદુના ફોટા મુકેલા છે. આમ યુવા મોરચા દ્વારા વેબસાઇટના હોમ પેજ પર વિજય શંખનાદ યુવા-સંગમના જ ફોટા અપડેટ કરવામાં અાવ્યા નથી. આમ ભાજપનો મુખ્ય આધાર ગણાતી યુવા બ્રિગેડ જ જો ઉંઘતી હોય તો આવનાર દિવસોમાં ભાજપ માટે કપરા ચઢાણ બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતમાં ભાજપનો ડંકો યુવા બ્રિગેડને કારણે 20 વર્ષથી વાગી રહ્યો હતો. પરંતુ ભાજપના ઉચ્ચ સત્તાધિશો દ્વારા સત્તા ખાતર યુવા પેઢીનું પૂરતું ધ્યાન આપવામાં ન આવતા યુવા બ્રિગેડનો પણ ભાજપમાંથી વિશ્વાસ ડગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. તેના કારણે ગુજરાત બીજેપી યુવા મોરચાની વેબસાઇટ બે વર્ષ બાદ પણ અપડેટ થઇ નથી. આમ સૌથી હાઇટેક પાર્ટીના ગાણા ગાતા ભાજપ સંગઠનની વેબસાઇટ પર જ હવા નીકળી ગઇ છે.