ગુજરાતનાં મંત્રી વાસણ આહીરનો ધબડકો, અરુણ જેટલીને આપી દીધી શ્રદ્ધાંજલિ, માહિતિ ખાતાએ પ્રેસનોટ પણ ઈશ્યૂ કરી
ભુજ :
પોતાના અવનવા કામથી ચર્ચામાં રહેતા ગુજરાત સરકારનાં રાજયકક્ષાનાં મંત્રી વાસણ આહીર ફરી એકવાર ચમક્યા છે. આ વખતે તેમણે કચ્છમાં યોજાયેલા સરકારી કાર્યક્રમ કૃષિ મહોત્સવમાં લાંબા સમયથી બીમાર એવા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીને મૃત ઘોષિત કરીને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. સરકારનાં મંત્રીની સાથે માંડવી ભાજપનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભાએ પણ સુષ્મા સ્વરાજની સાથે સાથે અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી દેતા ઉપસ્થિત લોકો સહીત સ્ટેજ ઉપર હાજર રહેલા ભાજપનાં નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા.કચ્છનાં માંડવી તાલુકાનાં બિદડા ખાતે યોજાયેલા કૃષિ મેળામાં ગુજરાત સરકારનાં રાજયકક્ષાનાં મંત્રી વાસણ આહીરે પુર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને અંજલિ આપવાની સાથે કચ્છમાં ભૂકંપ વેળાએ ગાંધીધામ ખાતે કરેલા કામોને પણ યાદ કર્યા હતા. મંત્રી વાસણ આહીર ઉપરાંત માંડવી તાલુકા કોજાચોરા ગામનાં ભાજપનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે રાજભાએ અંજલિ આપીને ભારતને મજબૂત બનાવવામાં જેટલીનાં અનુદાનને યાદ કર્યું હતું.સરકારના મંત્રી તથા ભાજપનાં અગ્રણી દ્રારા જીવતા માણસને શ્રદ્ધાંજલિ આપતા લોકો મોઢામાં આંગળા નાખી ગયા હતા. વાત આટલેથી અટકી હોત તો સારૂ હતી. માહીતી ખાતા દ્રારા શનિવારે યોજાયેલા આ કાર્યક્રમની પ્રેસનોટમાં પણ પુર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનાં દુઃખદ અવસાન બદલ ઉભા થયીને બે મિનીટનું મૌન પાળ્યું હોવાનું પણ જણાવ્યું હતું.