સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગાંધીનગર મનપા ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. જેમાં મેયર રીટાબેન કેતનકુમાર પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે મેયર પોતાના પ્રવચનમાં ઘ-4 સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે શહીદ સ્મારક ઉભું કરવાની જાહેરાત કરી હતી. સાથે તેમણે ગાંધીનગરને પ્લાસ્ટીક ફ્રી સિટી બનાવવાની નેમ વ્યક્ત કરીને નગરજનોનો સહકાર માંગ્યો હતો. જેથી કરીને ટૂંક સમયમાં શહેરને પ્લાસ્ટિક ફ્રી શહેર તરીકે જાહેર કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર મનપામાં કેન્દ્ર સરકારે 136 કરોડના કામોને મંજૂરી આપી છે. શહેરમાં 20 ઈલેક્ટ્રીક બસોની ખરીદી કરીને શહેરીજનો માટે દોડતી કરાશે. પાટનગરમાં પાણીનું સ્તર ઉંચુ લાવવા માટે વિવિધ સેક્ટરોમાં 1.83 કરોડના ખર્ચે રીચાર્જિંગ વેલ બનાવાઈ રહ્યાં છે.