ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રજૂ કરવામાં આવેલ ૪૧ પ્રશ્નો માંથી ૩૭ નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો તથા ૦૪ પ્રશ્નો પેન્ડીંગ રાખવામાં આવ્યા છે.જેનો યોગ્ય રીતે ત્વરિત નિકાલ કરવા માટે જે તે અધિકારીને સુચન પણ કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો.
સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, પ્રોપર્ટી કાર્ડ અંગે, જમીનની માપણી, ગૌચર જમીન પર દબાણ તથા અનઅધિકૃત તથા જોખમી બાંધકામ, વારસાઇ,પાણી અને ગટર જેવા અનેક પ્રશ્નોનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્થળ પર જ ત્વરિત નિર્ણય કરી નિકાલ કર્યો હતો.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો સમસ્યાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના ઝડપી-નિકાલ કરવા સૂચના આપતા જણાવ્યું હતું કે, અરજદારો તંત્ર પર વિશ્વાસ મૂકે છે, તેમના વિશ્વાસ પર ખરા ઉતરી તેમના આ પ્રશ્નોના યોગ્ય નિકાલ કરવા પણ હિમાયત કરી હતી.
આ બેઠકમાં જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા તથા ચારે તાલુકાના ટી.ડી.ઓશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતાં.
……………