‘હિંદુ સનાતન ધર્મના વિધિ વિધાનો, પ્રતીકો શા માટે ?’ વિષય ઉપર ૧૦8 મું પ્રવચન યોજાયું
‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૭ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિ વિશેષ, સામાજિક સમસ્યા, દર્શન-ચિંતન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત દર્શન-ચિંતન વિષયક ‘હિંદુ સનાતન ધર્મના વિધિ વિધાનો, પ્રતીકો શા માટે ?’ વિષય પર ૧૦૮માં પ્રવચનનું આયોજન તા. ૨૮-૧૨-૨૦૨૪ના રોજ સાંજે ૦૪.૩૦ થી ૦૭.૦૦ સમય દરમ્યાન અક્ષરધામ, હરિમંદિર, સભાગૃહ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ભરૂચ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી, પૂ. અનિર્દેશદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રવચનમાં ૧૨૦૦ થી પણ વધુ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિંદુ સનાતન ધર્મના વિધિ વિધાનો, પ્રતીકો શા માટે ? વિષય પર વાત કરતાં પહેલાં સૌ પ્રથમ પૂ. અનિર્દેશદાસ સ્વામીએ આજના પ્રવચનને આર્ષ શોધ સંસ્થાન દ્વારા 108 માં પ્રવચનમાં કેમ પસંદ કરવામાં આવ્યું તેની વાત કરતાં જણાવ્યું કે, 108 નો અંક હિંદુ સનાતન ધર્મમાં ખૂબ જ પવિત્રતા ધરાવે છે. ભારતના સનાતન ધર્મના પવિત્ર ગ્રંથોની સંખ્યા 108, હસ્ત મુદ્રાઓની સંખ્યા 108, પવિત્ર તીર્થોની સંખ્યા 108, માળાના મણકાની સંખ્યા પણ 108, ઉપનિષદોની સંખ્યા પણ 108, જ્યોતિષ શાસ્ત્ર, યોગદર્શન તેમજ બ્રહ્માંડની ગણતરીમાં પણ 108 સ્વીકાર્ય છે. આમ 108 એકતા, પૂર્ણતા અને આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રતીક છે. અનેક દેશો, સંસ્કૃતિઓ, ધર્મોમાં 108 નો અંક પવિત્રતા, પૂર્ણતા, પરમાર્થતાનો ત્રિવેણી સંગમ સમાન છે. વિશેષ છે તેને ધ્યાનમાં રાખીને પ્રવચનને 108 ના ક્રમમાં પસંદ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ હિંદુ સનાતન ધર્મના પાંચ સિદ્ધાંતો પૈકી મૂર્તિપૂજા શા માટે ? વિશે વાત કરતાં જણાવ્યું કે, મૂર્તિપૂજા ભગવાને આપણા ઉપર કરેલા અગણિત, અનન્ય ઉપકારનો આદર વ્યક્ત કરવા માટે છે. જેમ લુહાર, દરજી, ટ્રક ડ્રાઇવર જેવા કારીગર તેમજ ધંધા રોજગાર વગેરે કરનાર વ્યક્તિ પણ પોતાના ઓજારો, ગાડી વગેરેનું સૌ પ્રથમ સન્માન -આદર કરે છે કારણ કે તેના લીધે જ આગળ આવેલા છીએ. તે ન ભૂલવું જોઈએ. એક સામાન્ય ક્રિકેટર પણ મેદાનમાં પ્રવેશ કરતાં પહેલા મેદાનનો ચરણ સ્પર્શ કરી સન્માન કરે છે. તો આપણે પરમાત્મા પ્રત્યેના ઋણનું અનુસંધાન રહે તે માટે મૂર્તિ પૂજા કરવી જોઇએ.
ગુરુની પૂજા શા માટે ? જે ગુરુને શાસ્ત્રોમાં શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહ્યા છે તેવા અક્ષરબ્રહ્મ ગુરુની પૂજા પણ આદર ભાવ વ્યક્ત કરવા માટે જ છે. ગુરુ આપણા સુખઃદુખના દરેક સમયમાં, દ્વન્દ્વમાં પ્રેરણા આપે તેવી પ્રેરણા બીજું કોઈ ન આપે. તેના આદર માટે ગુરુની પૂજા કરવી જોઈએ.
નિત્યપૂજા-વ્યક્તિગત પૂજા શા માટે ? તે પણ ભગવાન પ્રત્યે આપણો આદરભાવ વ્યક્ત કરવા માટે છે. જેમ દૈનિક ક્રિયાઓ આપણે વ્યક્તિગત કરીએ છીએ તેમ દરેક વ્યક્તિએ વ્યક્તિગત નિત્ય પૂજા કરવી જોઈએ.
પ્રાતઃકાળે પૂજા શા માટે ? માણસ જીવનમાં દરરોજ સવારે ઉઠે છે. તે પ્રત્યેક સવારે પ્રાતઃકાળમાં ભગવાનના દર્શન કરીને, કાર્યની શરૂઆત થાય અને દિવસ આનંદમય, જ્ઞાનમય બને તેના માટે પ્રાતઃકાળે પૂજા કરવી જોઈએ.
આરતી શા માટે ? પ્રાતઃકાળ અને સંધ્યાકાળ એમ બે પ્રકારે આરતી થાય છે. આપણું શરીર આકાશ, વાયું, તેજ, જળ અને પૃથ્વી પંચભૂતનું બનેલું છે. પરમાત્માના આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે કે આપણને મનુષ્ય જન્મ આપ્યો. તે ઉત્તમ ભેટ છે. આરતીનો અર્થ થાય છે, હે પ્રભુ મારો બધો પ્રેમ આપણા માટે સમર્પિત છે.
આરતીની જ્યોત તેજ તત્ત્વનું પ્રતીક છે. શબ્દ એ આકાશનો ભાગ છે, ધૂપ વાયુનું પ્રતિક છે. આરતી પછી દંડવત કરવા તે પૃથ્વી તત્વ. જળપૂરિત શંખ એ જળનું પ્રતીક છે. આ રીતે, આરતી એટલે પંચભૂતો દ્વારા પરમાત્માને કરવામાં આવતું સમર્પણ. ભગવાનનું ઋણ અદા કરવા માટે આરતી કરવામાં આવે છે.
મન જેટલું શાંત પ્રસન્ન રહે તે ખૂબ જરૂરી છે. પહેલવાન વ્યક્તિ હોય પણ તેનું મન સ્વસ્થ ન હોય તો? કંઈ કામનું નથી. મનને શાંત રાખવા માટે આધ્યાત્મિકતા સ્વીકારવા સિવાય છૂટકો જ નથી. આપણું મન વૈજ્ઞાનિક પુરાવા સિવાય માનતું નથી. સ્વીકારતું નથી.
ધ્યાન-માનસી પૂજા શા માટે? સ્વસ્થ મન હોવું અગત્યનું છે. તેના પર દેશ-વિદેશમાં ઘણા સંશોધનો થયા છે કે સ્વસ્થ મન વાળા માણસો કેટલા એડવાન્સ હોય છે. સવાર-સાંજ 15 મિનિટ માનસી પૂજા કરવાથી મન અને શરીર બંને પ્રફુલ્લિત-સ્વસ્થ રહે છે. મજબૂત બને છે. તેના માટે માનસી પૂજા જરૂરી છે.
મંત્રજાપ શા માટે? મંત્રજાપને ભગવાને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. કળિયુગમાં ભગવાનના નામનું ભજન સ્મરણ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જે તે ઈષ્ટદેવના નામનો મંત્ર જાપ. અજામિલ નારાયણનું નામ રટણ કરીને પરમપદને પામ્યો. ધ્રુવજી એ ઓમ નમો ભગવતે વાસુદેવાય અનુષ્ઠાનથી ઇશ્વરનો સાક્ષાત્કાર કર્યો. રામ નામ રટણથી વાલિયો, લૂંટારો મટી મહર્ષિ વાલ્મિકી બન્યો. ગઢાળીના આંબાશેઠ સ્વામિનારાયણ ભગવાનનું એક નામ જપ કરતાં ન્યાલ થઈ ગયા. પવિત્ર શબ્દના ઉચ્ચારણ કરવાથી, પવિત્ર શબ્દનાં જાપથી આવી અનુભૂતિ થાય છે.
સમૂહમાં કરવામાં આવતી ધાર્મિક વિધિ વધુ યોગ્ય, વાસ્તવિક, આધ્યાત્મિક છે. વૈજ્ઞાનિક પુરાવા સાથે આપણા દરેક વિધિ વિધાનો વધુ વ્યાવહારિક છે. ભગવાનને સર્વે રીતે કેન્દ્રમાં રાખી કાર્ય કરવાથી સફળતા મળે છે.
એકાદશી વ્રત-ઉપવાસનો આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ખૂબ જ મહિમા ગાયો છે. જેમ દરેક યંત્ર મેન્ટનસ માગે છે તેમ આપણા શરીરને પણ મેન્ટેનન્સ ની જરૂર છે. સતત સારું ચલાવવા માટે તેનું સમારકામ-મેન્ટનસ જરૂરી છે.
એકાદશી ઉપવાસનો મહિમા વ્યાવહારિક, પ્રામાણિક, અને આધ્યાત્મિક છે. ઉપવાસ દ્વારા નબળાઈ દૂર થાય છે. બીમારીને દૂર કરવા લંગન જરૂરી છે જો તમે બીમાર પડો, બે દિવસ જમો નહીં તો સાજા થઈ જાવ. ઉપવાસ કરવાથી રોગો દૂર થાય છે. રોગ મુક્ત થવા માટે લાંઘણ પ્રયોગ કરવો જરૂરી છે.
યજ્ઞ પરંપરા યજ્ઞનો ઘણો મહિમા છે. યજ્ઞ માત્ર ક્રિયાકાંડ નથી. તે માત્ર શરીર પૂરતો નહી, પરંતુ પ્રકૃતિના લાભ માટે પણ જરૂરી છે. યોગ્ય દ્રવ્યથી ધૂપ થયો હોય તો આંખને તે લાભદાયક થાય છે. ગાયનું છાણ, ઘી વગેરે દ્રવ્યોના યજ્ઞથી વાતાવરણની પવિત્રતા થાય છે. તેની ભસ્મથી વૈજ્ઞાનિકો દવાઓ પણ બનાવે છે તેવા સંશોધનો થયેલાં છે. તેથી યજ્ઞ વાસ્તવિક, વૈજ્ઞાનિક અને વ્યાવહારિક છે.
સોળ સંસ્કાર તેમાં કર્ણવેધ સંસ્કાર. બાળકોને કાન વેંધવામાં આવે છે. આરોગ્યની દૃષ્ટિએ બાળકની રક્ષા કરવા માટે કર્ણવેધ સંસ્કાર આવશ્યક છે. શ્વાસ સંબંધી રોગો થવાની શક્યતા નહિવત રહે છે. વેદોમાં તેનું વર્ણન કરવામાં આવેલ છે.
અગ્નિ સંસ્કાર વાસ્તવિક અને પ્રેક્ટિકલ છે. દેહ સંપૂર્ણપણે પંચભૂતમાં વિલીન કરવા માટે અગ્નિ સંસ્કાર શ્રેષ્ઠ રીત છે. બૌદ્ધિકો કહે છે કે કબરોને લીધે કેટલીય જમીન ફાલતું પડી રહી છે. વળી, શબ જમીનમાં સડે છે, જે સડો પાણીની સેરોમાં ભળતાં, કૂવા અને બોરનાં જળ દૂષિત થાય છે ને પીનારનું સ્વાસ્થ્ય જોખમાય છે. આ અંગે વિદેશમાં ઘણી જાગૃતિ આવી રહી છે. આ જોતાં હિંદુ શાસ્ત્રોએ કહેલી અગ્નિ સંસ્કાર આપવાની પ્રણાલી કેટલી વ્યવહારુ અને બિન જોખમી છે.
સૂર્યગ્રહણ- ચંદ્રગ્રહણસૂર્ય, ચંદ્રની ઉત્પત્તિ થઈ ત્યારથી આવતા રહે છે. બુદ્ધિના સ્વામી સૂર્ય છે અને મનના સ્વામી ચંદ્રમા છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય ત્યારે ભગવાનનું ભજન કરવું. અન્ન, જળ નિષેધ કરવામાં આવ્યો છે. સૂર્ય-ચંદ્રને દોષ મુક્ત કરવા માટે નિયમ પાળવા જરૂરી છે. તે પરંપરામાં પ્રમુખસ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજ તે નિયમો પાળે છે, પડાવે છે.
મુહૂર્ત ભારતીય વિધિ વિધાનોમાં સ્વીકાર્ય છે. અગત્યના કામો શુભ મુહૂર્તમાં થાય તે માટે આપણા ઋષિઓએ આગ્રહ રાખ્યો છે.
આ સિવાય નાના નાના નિયમો છે કે, દૂધ ગાળીને પીવું, હાથ વારંવાર ધોવા. એ વાત નાની છે પણ અગત્યની છે. તે પાળવાથી ઘણા રોગો થતા અટકે છે. મહંતસ્વામી મહારાજે પણ સત્સંગદીક્ષા ગ્રંથમાં જણાવ્યું છે. નિયમ સામાન્ય છે પણ તેની પાછળ વૈજ્ઞાનિકતા, વાસ્તવિક્તા અને વ્યવહારુ છે.
પ્રતીકો શા માટે?
કંઠી માત્ર દોરો ધાગો નથી. ભગવાનની શરણાગતિનું પ્રતીક છે. પરમાત્માનો આશરો લેવો અને સ્વીકારવો જોઈએ. ભગવાનના ભક્તની ઓળખ રૂપે કંઠી પહેરવામાં આવે છે.
માળાઃ ભજન ભક્તિના પ્રતીકરૂપ છે. 108 માળાના મણકા હોય છે. શ્વાસોશ્વાસે ભગવાનનું ભજન થાય તેના પ્રતીક રૂપ છે.
જનોઈ-યજ્ઞોપવિત બળ અને તેજ આપનારી છે. જેમાં ભગવાનનો વાસ હોય છે. સનાતન ધર્મના પ્રતીક રૂપે પહેરવામાં આવે છે. ઉત્સર્જન ક્રિયા વખતે કાન પર ચઢાવવામાં આવે છે. કાનમાં આકાશ તત્વ છે. કાનને પવિત્ર માનવામાં આવે છે તેમાં તેજ તત્ત્વ પ્રધાનપણે રહેલું છે.
સ્વસ્તિકઃ ચાર ખૂણે ચાર બ્રહ્માંડનો વાસ હોય છે. વેદો, પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે. ધાર્મિક વિધિમાં સ્વસ્તિક પ્રધાનપણે છે.
તિલક-ચાંદલાોઃતિલક, વિષ્ણુ ભગવાનના ચરણનું અને ચાંદલો એ લક્ષ્મીજીના સૌભાગ્યનું પ્રતીક છે. આજ્ઞા ચક્ર મસ્તિક ચક્રમાંથી છૂટે છે. તેમાંથી સારા આદેશ મળતા હોય છે. હેડ ઓફિસ ગણવામાં આવે છે. આજ્ઞાચક્ર સતત, સતેજ, સલામત રહે તેટલા આદેશ સારા મળતા રહે છે. દર્દ પણ હળવું બને છે.
આમ હિન્દુ સનાતન ધર્મમાં વિધિ વિધાનો, પ્રતીક 100 (સો) ટકા વૈજ્ઞાનિક, વાસ્તવિક અને વ્યવહારુ છે.
વધુમાં હિંદુ સનાતન ધર્મની વિશેષતાઓ જણાવતા કહ્યું કે, સનાતન હિંદુ ધર્મ હજારો વર્ષ પુરાણો-જૂનો છે. સાથે સાથે મોસ્ટ એડવાન્સ છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તે રોલ મોડલ છે. માત્ર કર્મકાંડ નથી મોસ્ટ ફિલોસોફિકલ સ્પિરિચ્યુઅલ છે. તે માત્ર જિજ્ઞાસાનો ભાગ નથી. કરવા ખાતર નથી. તેમાં સત્ય, અહિંસા, પરોપકાર જેવા બધા ગુણોનો આર્વિભાવ થાય તેના માટે છે. આત્મા પરમાત્માનું જ્ઞાન જે વિધિવિધાનથી જોડાયેલું છે તે આપણું લક્ષ્ય છે. તે મદદરૂપ છે. વૈજ્ઞાનિક સંશોધન સાથે અનુકૂળ છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ક્યારેય ઝઘડા થયા નથી. સંઘર્ષ થયો નથી. વિશાળ હૃદયના છે. વિધિવિધાનો કયાંરેય સંકુચિત નથી. પવિત્ર બગીચા સમાન છે જેમાં મોગરો, ગુલાબ, ચંપો, હજારી વગેરે પુષ્પો ખીલી શકે છે. જેમાં સ્પર્ઘા નથી. હજારો વર્ષથી સનાતન ધર્મના વિધિવિધાનો, પ્રતીકો પર પ્રહાર થતા રહ્યા છે છતાં નષ્ટ થઇ શક્યા નથી તેવા શક્તિશાળી છે.
એ કેટલા બધા સસ્ટેન થયા છે. તે ક્યારે બદલાયા નથી. ભગવાન શ્રીરામના લગ્ન સમયે જે મંત્ર, વિધિ વિધાન થયા હતા એવા ને એવા જ અત્યારે થાય છે. તેની અદ્-ભૂત વિશેષતા છે, તેનું ગૌરવ છે. બધા વિવિવિધાન સનાતન, શાસ્ત્રોક્ત, સત્ય, વાસ્તવિક અને વ્યાવહારિક છે. દરેકમાં નિશ્ચિંતતા વધે, શ્રદ્વા વધે, શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થાય તે પ્રાર્થના સાથે વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી ૧૦૯માં શાસ્ત્ર વિષયક પ્રવચન ‘નિષ્કુળાનંદ કાવ્ય- ૯ હરિબળગીતા’ ની રૂપરેખા સંતનિર્દેશક પૂ. હરિતિલકદાસ સ્વામીએ આપી હતી. ત્યારબાદ રસપ્રદ પ્રશ્નોત્તરી દ્વારા અનિર્દેશદાસ સ્વામીએ તર્કબદ્ધ ઉત્તરો આપીને શ્રોતાઓની જીજ્ઞાસા સંતોષી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ.ભ. શરદભાઈ રાવલે કર્યું હતું. છેલ્લે આર્ષમાં સેવા આપતા પ.ભ. હસમુખભાઈ સાવલીયાએ શાબ્દિક આભારવિધિ કરી હતી.