અમદાવાદના બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ
અમદાવાદના બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થતા પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમય ચાર જેટલા લૂંટારા ત્રાટક્યા હતા. જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો, જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂકની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટ કરવા આવેલા લૂંટારાઓએ પોતાની ઓળખ ન થાય એ માટે માથે હેલ્મેટ પહેરી રાખ્યા હતા. આ લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે એમાં લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે.