ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષે રામકથા મેદાન ખાતે યોજાશે
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આયોજન બેઠક મળી હતી. જેમાં આ વર્ષે ગાંધીનગર સેક્ટર- 11 રામકથા મેદાન ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સવિશેષ બનાવવા પર ભાર મુકતા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું.બેઠક અંતર્ગત કલેકટરશ્રી એ ઉમેર્યું હતું કે, સુંદર આયોજન સાથે માત્ર અને માત્ર દેશભક્તિના રંગો વિખેરાઈ તેવું આયોજન કરવાનું છે. તેમાં દેશ કે રાષ્ટ્રીય ચિન્હોની મર્યાદા ભંગ ન થાય તેની તકેદારી રાખવા પણ ખાસ સૂચન કર્યું હતું. સાથે સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવે તેમાં પણ માત્ર અને માત્ર દેશભક્તિ છલકે તેવી કૃતિ પસંદગી પર ભાર મૂકવા જણાવ્યું હતું.
ઉપરાંત કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સર્વેને દેશભક્તિના આ મહાપર્મમાં હર્ષભેર સામેલ થવા પણ અનુરોધ કર્યો હતો. ‘રજા છે અને નહીં જઈએ તો ચાલશે! એવું નહીં વિચારતા દેશ પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ દર્શાવવા સૌ અધિકારી કર્મચારીઓએ સહ પરિવાર આ મહાપર્વમાં હાજર રહેવા જણાવ્યું હતું.’આ બેઠકમાં ઉપસ્થિત જવાબદાર અધિકારીઓ સાથે પરેડ, ટેબ્લોના વિષય, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સુશોભન જેવી અન્ય વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી સારામાં સારું આયોજન થાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન પણ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું. આ આયોજન બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગાંધીનગર મામલતદાર શ્રી પાર્થ કોટડીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.