એ.એમ.એ અમદાવાદ ખાતે માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને પરીસંવાદ યોજાયો
ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે એ.એમ.એ અમદાવાદ ખાતે માહિતી નિયામકશ્રી કે. એલ બચાણીના અધ્યક્ષસ્થાને લેખન – કૌશલ્ય અને પરી સંવાદ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્તર ગુજરાત ઝોનના નવ જિલ્લાઓના કર્મચારીઓ દ્વારા લખવામાં આવેલ ખાસ લેખક, સાફલ્ય ગાથા તથા પ્રાકૃતિક કૃષિના વિશેષ લેખો માટે સ્પર્ધાનું આયોજન દરમિયાન 70 જેટલી એન્ટ્રીઓ મળી હતી.
જેમાંથી પત્રકારત્વ વિભાગ, કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રેશ્માબેન નીનામા, જેઓ હાલમાં અરવલ્લી જિલ્લામાં માહિતી મદદનીશ તરીકે કાર્યરત છે, તેમને શ્રેષ્ઠ ખાસ લેખ માટે તથા નેહાબેન તલાવિયા જે ઓ ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવે છે, તેમને શ્રેષ્ઠ સફલ્ય ગાથા માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે વરિષ્ઠ લેખક રમેશ તન્ના તથા કેતન ત્રિવેદીએ સહયોગ આપ્યો હતો, તથા વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે આ પ્રસંગે ઉપસ્થિત રહી વિજેતાઓને બિરદાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવે તથા અમદાવાદ જિલ્લાના નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુ ઉપાધ્યાય દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેનો મૂળ હેતુ લેખન કૌશલ્યમાં સુધારા સાથે સારું કાર્ય કરતા કર્મચારીઓની કલમને બિરદાવાનો હતો. આ કાર્યક્રમમાં વિજેતા બનેલા નવ પૈકી બે કર્મચારીઓ પત્રકારત્વ વિભાગ, કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પૂર્વ ર્વિદ્યાર્થીઓ પસંદ થવાથી સર્વ વિદ્યાલય કડી-ગાંધીનગર પરિવાર તેમને શુભેચ્છાઓ પાઠવે છે.