આજે પ્રવાસી ભારતીય દિવસ: જાણો મહત્વ..
દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર આ પ્રસંગે પ્રવાસી ભારતીયોના સન્માનમાં એક વિશાળ સંમેલનનું આયોજન કરે છે. ચાલુ વર્ષે 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાની રાજ્ય સરકારની ભાગીદારીમાં 8 થી 10 જાન્યુઆરી 2025 દરમિયાન ભુવનેશ્વરમાં યોજાઈ રહ્યું છે.
પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોના મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવાસી દિવસ પર તે ભારતીયોનું સન્માન કરવામાં આવે છે જેમણે પોત-પોતાના ક્ષેત્રમાં વિદેશમાં વિશેષ ઉપલબ્ધિઓ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. દર વર્ષે કોઇને કોઇ થીમ પર પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની થીમ – વિકસિત ભારત માટે પ્રવાસી ભારતીયોનું યોગદાન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને અહીં દેશને આઝાદ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગાંધીજીના ભારત આગમનની યાદમાં 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003થી કરવામાં આવી હતી,
પરંતુ વર્ષ 2015માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને દર બે વર્ષે તેની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 2003થી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ ભારતને વિદેશમાં રહેતા તેના વિશાળ સમુદાય સાથે જોડવાનો અને તેમના જ્ઞાન, કુશળતા અને કૌશલ્યને એક સમાન મંચ પર લાવવાનો છે.