ગાંધીનગરગુજરાત

રક્ષા યુનિવર્સિટી ખાતે 4 દિવસીય પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાયું 

ભારત સરકારના રમત-ગમત અને યુવા બાબતોનો વિભાગ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે લવાડ, ગાંધીનગર ખાતે કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશની સુરક્ષા અને સ્પોર્ટસ રિસર્ચ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે, અને તેનું સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે, ભારત દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે,અને બદલાતા ભારતનું મહત્વનું કામ છે રિસર્ચ અને ઇનોવેશન.. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રિચર્ચ અને ઇનોવેશનને પ્રાથમિકતા આપવી જરૂરી છે, સ્પોર્ટસ ક્ષેત્રમાં આગળ વધવા માટે આજથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ઓલિમ્પિકના ક્ષેત્રમાં રિસર્ચનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ઓલિમ્પિક એ માત્ર પ્રતિયોગિતા નથી સ્પોર્ટસનું પ્રતીક છે.

વધુમાં મંત્રીશ્રી એ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પોર્ટસ ક્ષેત્રમાં યુવાનો આગળ વધે તે માટે ‘ખેલો ઇન્ડિયા’ , ‘ફીટ ઇન્ડિયા’ કેમ્પેઇનની શરૂઆત કરી હતી, આ કેમ્પેઇન અંતર્ગત દેશના નાગરિકોમાં ફિટનેસ અને રમત ગમત ક્ષેત્રે જાગૃતિ આવે, સાથોસાથ નાગરિકોનું માનસિક સંતુલન પણ જળવાઈ રહે અને એક આદર્શ સોસાયટીનું નાગિરકો નિર્માણ કરે તેમ હતું.

વધુમાં મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સમાં ૬૦ થી વધુ દેશો ભાગ લઈ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરશે, જે ભારતની ઓલિમ્પિક-૨૦૩૬ની તૈયારીમાં મદદરૂપ સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રેડ ફોર્ટ પરથી વર્ષ-૨૦૩૬ ઓલિમ્પિકનું યજમાન ભારત બનશે તેવી ઘોષણા કરી હતી. ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ સ્પોર્ટસ ક્ષેત્રે ભારતના ખેલાડીઓનું ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કરી, તેમના ટેલેન્ટને રાજ્ય અને વિશ્વ કક્ષાએ એકસપોઝર મળે, વિશ્વ કક્ષાની સ્પોર્ટસની તાલીમ મળે જેના ભાગરૂપે દેશની પ્રથમ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું છે, આવનારા સમયમાં ઓલિમ્પિકને ધ્યાને રાખીને એજ્યુકેશન, ઇનોવેશન અને ટ્રેનિંગમાં નેશનલ – ઇન્ટરનેશનલ કક્ષાએ કેવા પ્રકારના રિસર્ચ થઇ રહ્યા છે, તે અંગે જાણવા મળશે. આ ચાર દિવસીય કોન્ફરેન્સમાં રિસર્ચ પેપર રજૂ કરવમાં આવશે, આ કોન્ફરન્સ વર્ષ – ૨૦૩૬ની ઓલિમ્પિકની તૈયારી માટેના સૂચનો આપશે, જેના આધારે ઓલિમ્પિક- ૨૦૩૬ તૈયારી માટેનો રોડમેપ તૈયાર થશે. હાલ સ્પોર્ટસ પોલિસી, સ્પોર્ટસ બિલ, સ્પોર્ટસ મેડલ સ્ટ્રેટેજી પર કામ કરવામાં આવી રહ્યું છે વર્ષ – ૨૦૩૬માં મેડલ્સ ટેલીમાં ભારત વિશ્વમાં ૦૧ થી ૧૦માં ક્રમમાં આવશે, અને જ્યારે દેશ વર્ષ – ૨૦૪૭માં આઝાદીનો શતાબ્દી મહોત્સવની ઉજવણી કરતો હશે ત્યારે વિશ્વમાં સ્પોર્ટસ ક્ષેત્રે ભારત ૦૧ થી ૦૫માં ક્રમે આવે એ પ્રકારની કામગીરી અને વ્યવસ્થાનું નિર્માણ કરાઇ રહ્યું છે.

આ પ્રસંગે રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશનું એવા યુવાનો ફીટ હશે તો, દેશનો વિકાસ થવો નિશ્ચિત છે, દેશના યુવાનોને ફીટ રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ફીટ ઇન્ડિયા’ ઝુંબેશ ચલાવી હતી, ગુજરાતમાં પણ ગુજરાતના યુવાનો ફીટ રહે અને તેની સાથે તેમનામાં સ્પોર્ટસ કલ્ચર ઊભુ થાય તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x