જાણો કયા વિદ્યાર્થીએ શોધ્યું એવું યંત્ર જે વીજ ઉપકરણ સંરક્ષણ સહિત વીજ બીલમાં પણ કરશે ઘટાડો
આણંદ :
દેશના યુવાધનને જો યોગ્ય તક મળે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં પોતાની મહારતનો પરચો આપ્યા વગર રહેતા નથી. ડાંગ જિલ્લાની આશા પવાર નામની હોનહાર યુવતી કે જેણે ભૂગર્ભ ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર બનાવ્યું હતું. જેની નોધ દેશનાં રાષ્ટ્રપતિ ભવનથી લઈ જાપાનના મોટા શહેરો સુધી લેવાઈ છે. હજુ એ સિદ્ધિને વધાવતા દેશવાસીઓ થાક્યાં નથી ત્યાં આણંદથી વધુ એક યુવાની સિદ્ધિ સામે આવી છે. આણંદનાં એક યુવાનનું નામ અમીર વ્હોરા છે. જેણે ઓટોમેટિક પાવર ફેક્ટર કંટ્રોલર યંત્ર બનાવ્યું છે. તેની આ શોધ વીજ ઉપકરણ સંરક્ષણ માટે આશીર્વાદરૂપ સાબિત થવાની છે.
પિતાનાં સાથે ચાનાં ધંધામાં પણ બને છે મદદરૂપ
આમીર વ્હોરાનાં પિતા કે જેમને ચાની દુકાન છે. આમીરનાં પિતા વર્ષોથી ચા બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આમિર પોતાના બાપ દાદાનાં આ વ્યવસાયમાં પણ મદદ કરે છે ને સાથે સાથે અભ્યાસ પણ કરે છે. આમિર ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી એ.ડી.આઈ.ટી. ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં બીઈ ઈલેક્ટ્રીકલનો અભ્યાસ કરે છે. આમિરે પોતાના અભ્યાસકાળ દરમિયાન જ ઈલેક્ટ્રીક ક્ષેત્રે સંશોધન કરીને પોતાનું યોગદાન આપ્યું છે. આમીર વ્હોરાએ ઊર્જા બચાવો પ્રોજેક્ટ ઉપર ઓટોમેટિક પાવર કંન્ટ્રોલર બનાવ્યું છે. તેની આ શોધ વારંવાર વીજપ્રવાહની વધઘટના કિસ્સામાં બળી જતાં વિદ્યુત ઉપકરણને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બનશે.
વીજ બીલમાં પણ કરી શકાશે ઘટાડો
ઔદ્યોગિક ક્ષેત્રે ફેકટરીઓ અને મોટી મોટી કંપનીઓમાં ઈન્ડક્ટીવ લો વધવાનાં કારણે વીજ પુરવઠામાં વધઘટ થતી હોય છે તેનાં કારણે ઘર વપરાશનાં વીજ ઉપકરણો અને ફેક્ટરીઓમાં વપરાશ કરાતા મશીનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હોય છે. આ સાથે જ ઊર્જાનો પણ વેડફાટ થતો હોય છે. પરંતુ આમિર વ્હોરાએ બનાવેલ આ કંટ્રોલર લગાવવાથી તે જાતે જ વીજ પુરવઠાની વધઘટને કંટ્રોલ કરે છે. જેનાં કારણે યાંત્રિક નુકસાન નિવારી શકાય છે. આ એપીએસસી નામનું યંત્ર બંન્ને પાવરનો ફૈજ સીંગલ મેજર કરે છે અને ડિસ્પ્લે પણ થાય છે. જેટલો પાવર ફેક્ટર વઘ્યો હોયે કે ઘટ્યો હોય તેને કેપેસીટર બેંક દ્વારા નિયમિત કરે છે. જે ઊર્જાની વધારાની ખપત અટકાવે છે. આ યંત્રથી વીજ બીલમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે.
આ પ્રકારનાં ઓટોમેટિક પાવર ફેક્ટર કંટ્રોલર સામાન્ય રીતે દોઢ થી બે લાખ જેટલો ખર્ચો કર્યા પછી તૈયાર થાય છે. પરંતુ સ્વદેશી પદ્ધતિથી આ કંટ્રોલર માત્ર પાંચ હજાર રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરકાર દ્વારા ઊર્જા બચત માટે અભિયાન ચલાવાવમાં આવી રહ્યું છે ત્યારે આણંદ શહેરના આ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા આ સંશોધન દ્વારા વીજ ઉપકરણોનું સંરક્ષણ તો થશે જ સાથે ઊર્જા બચાવવાને (Energy conservation) વેગ પણ મળશે.