ગાંધીનગર

BIS અમદાવાદ દ્વારા ક્વોલિટી કોન્ક્લેવ: સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓએ રજૂ કર્યા ઇનોવેટિવ વિચારો

૧૫ માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે,આ વર્ષે 2025 ની થીમ “ટકાઉ જીવનશૈલી તરફ ન્યાયી સંક્રમણ” છે, જે તમામ ગ્રાહકો માટે તેમના અધિકારોનું સમર્થન કરતી વખતે ટકાઉ અને સ્વસ્થ પસંદગીઓને સુલભ અને સસ્તું બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ વિષય અંતર્ગત બી.આઈ.એસ દ્વારા તા.૨૬ માર્ચના રોજ નારાયણી હાઈટ્સ, ગાંધીનગર ખાતે એક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમોમાં ભારતીય માનક બ્યુરો દ્વારા આ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઝોનલ જનરલ મેનેજર શ્રી પી.કે ઝા એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વર્લ્ડ કન્ઝ્યુમર પ્રોટેકશન ડે અંતર્ગત ભારત સરકારના સતત પ્રયત્નો થકી ગ્રાહક સુરક્ષા માટે જે કાર્યો થાય છે, તેના પ્રચારના પ્રયાસની જવાબદારી સૌની છે.એક જાગૃત નાગરિક તરીકે આપણે એવું કોઈ કામ ન કરીએ,એવી કોઈ ઈન્ડસ્ટ્રીઝને પ્રમોટ ન કરવામાં આવે જેનાથી પર્યાવરણને નુકશાન થાય.અને પર્યાવરણનો બચાવ એજ આપણા તરફથી આવનારા ભવિષ્યને આપેલી સુંદર ભેટ હશે.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, ગણતરીમાં ૧૬૬ દેશોની અનુક્રમણિકામાં પર્યાવરણની બાબતે ભારતનું સ્થાન ૧૩૨મું છે,તો દર વર્ષે કઈ રીતે ધીમે ધીમે આગળ આવી શકીએ તે વિચારવું જરૂરી છે‌.જેના ભાગ રૂપે વર્તમાનમાં એનર્જી પ્રોટેક્શનના ભાગ રુપે સોલર એનર્જીને વિકસાવવાની કામગીરી સારી રીતે હાથ ધરાઇ છે.સાથેજ રિયુઝ એ પર્યાવરણની દ્રષ્ટિએ ખતરનાક છે.આવનારી પેઢીને સારું પર્યાવરણ આપવું ખુબ જ જરૂરી હોવા સાથે અવેરનેસના અભાવે મુશ્કેલ પણ બન્યું છે.છતાં આ ક્ષેત્રમાં કામગીરી કરી અશક્યને શક્ય બનાવી શકાય છે.જરુરત છે માત્ર દરેક વ્યક્તિ પર્યાવરણ પ્રત્યે જાગૃત બની આ મુહિમમાં જોડાવાની, અને તો જ ભારતને ૧૩૨ માંથી ટોપ ૧૦ના લીસ્ટ માં સામેલ કરી શકીએ છીએ.સાથે જ આજના સમયમાં દરેક સહાયતા આપવા સરકાર તૈયાર છે.જરુર માત્ર સૌએ આગળ આવવાની છે.
આ પ્રસંગે ડાયરેકટર અને પ્રમુખશ્રી બી.આઈ.એસ સુમિત સેંગરે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનક એટલેકે ધારાધોરણો મુજબ માન્યતા પ્રાપ્ત કરેલ, સુનિશ્ચિત કરેલા પ્રોડક્ટસ ની ખરીદી કરવી યોગ્ય છે.આ સાથે જ તેમણે ભારતીય માનક બ્યુરો અંગે ટુંકમાં વિગત આપતા આ પ્રક્રિયા દરેક નાગરિકોને સરળ,સહજ અને સુરક્ષિત બને તે માટે મદદરૂપ થવા જણાવ્યું હતું.
સાથે જ આ વર્ષની ઉજવણી થીમ અંગે વિશેષ માહિતી આપતાં પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા દરેકે પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતું.”પર્યાવરણનું સંતુલન એ ગ્રાહકોના મુળ અધિકારોને બળ આપે છે.”દરેક પેરામીટર અનુરૂપ ગ્રાહકોને ચીજવસ્તુઓ મળી રહે અને ઉત્તમ જીવનશૈલી અપનાવી શકાય આ માટે પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું‌.આ કાર્યક્રમના અંતે કેટલીક નવી વાતો, વિચારો અને આઈડિયા મળી રહે તેવી અપેક્ષા અને વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. CIRC સીઈઓ શ્રી અનંદિતા મહેતા આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આ કાર્યક્રમના મૂળ હેતુને ઉજાગર કરતા જણાવ્યું હતું કે ખૂબ જ સુંદર થીમ સાથે આજના કાર્યક્રમનું આયોજન થયું છે કારણ કે, તમે જન્મો છો ત્યારથી જ ઉપભોક્તા આ શબ્દ સાથે જોડાવ છો. આપણા દેશમાં કન્ઝ્યુમર એક્ટ અંગે વાત કરવામાં આવે તો છ કન્ઝ્યુમર રાઇટ્સ સૌને મળે છે તે આ એક્ટ અંતર્ગત લાગુ પડે છે. જેમાં પ્રોડક્ટ સેફટી થી માંડી પસંદગીનો અધિકાર, નુકસાન માટે વળતરનો અધિકાર, ચીજ વસ્તુની પૂરેપૂરી જાણકારી મેળવવાનો અધિકાર અને સ્વચ્છ સુરક્ષિત પર્યાવરણમાં જીવવાનો અધિકાર વગેરેનો સમાવેશ થાય છે. આમ જણાવતા તેમણે ઉપભોક્તા અધિકાર અંતર્ગત કાયદાકીય માહિતી પૂરી પાડી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે 30,000 ઉપભોક્તાઓનો સર્વે કરવામાં આવ્યો ત્યારે જાણવામાં આવ્યું છે કે 97% લોકો ઈચ્છે છે કે તેઓ sustainable એટલે કે ટકાઉ અને સરકારી માર્ક વાળી ચીજવસ્તુઓ અપનાવે, પણ તેમાં ક્યાંક ને ક્યાંક તેઓ પાછી પાની કરે છે, ત્યારે અહીં આ પ્રક્રિયામાં નડતર રૂપ બેરિયર શું છે તે સમજવું જરૂરી છે.
જેમાં affordability, availability, accessibility આ ત્રણ એ સૌથી મોટી રૂકાવટ છે, જે ગ્રાહકોને રોકે છે. આ ઉપરાંત ઇન્ફોર્મેશન ગેપ એટલે કે, માહિતીનો અભાવ પણ એક મોટી રૂકાવટ છે, આવા સમયે બેઝિક જરૂર હતો માં કોમ્પ્રોમાઇઝ ન કરતા ગવર્મેન્ટ પોલીસીનો આમા ખૂબ મહત્વનો ફાળો છે. બીઆઈએસ હર હંમેશ કોશિશ કરે છે કે માત્ર એક પેરામીટર નહીં એક સ્ટેપ નહીં પરંતુ દરેક બાજુથી ઉપભોક્તાઓની રજૂઆતો અને મુશ્કેલીઓને જાણી શકાય. ઉપભોગતા જાગૃતિ માટે માત્ર કોઈ એક સંસ્થા કે સરકાર દ્વારા આ જાગૃતિ શક્ય નથી માટે સર્વને સાથે મળીને જ આ કાર્ય કરવું જરૂરી છે.
આ સાથે જ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2025 નિમિત્તે BIS અમદાવાદ દ્વારા યોજાયેલા ક્વોલિટી કોન્ક્લેવ અંતર્ગત ન્યુ સ્ટાર્ટઅપ કરતાં વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ મંચ પુરું પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત સર્જરી વગર ઓછા ખર્ચે યરિંગ મશીન થકી શ્રવણ શક્તિ આપતું મશીન, પ્લાસ્ટિકની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી કુંડા થકી પર્યાવરણને નુકસાન થી બચાવવા અંગે ઉપાય, પ્લાસ્ટિક બોટલ થકી પર્યાવરણને બચાવવાના ઉપાય રૂપે નવીન વિચાર, બાળકોની જિજ્ઞાસા વૃત્તિને વધારવા સાથે રમતા રમતા નવું શીખવાડવાની પદ્ધતિ, ડ્રોન દ્વારા કરતબ થકી ફટાકડા અને દારૂખાનાથી થતું પ્રદૂષણ અટકાવવા તથા મોરિંગો ચોકો લાટે એટલે કે સરગવાની સિંગની ગુણવત્તા જાળવતા તેને ટેસ્ટી બનાવી બાળકોને પહોંચાડવાની યુક્તિ વગેરે જેવા યુનિક વિચારો માટે મંચ પરથી યુવા શક્તિએ પોતાનું પ્રદર્શન બતાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ગાંધીનગર તથા વિવિધ જિલ્લાઓમાં નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો તથા બીઆઈએસ અમદાવાદના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x