ગાંધીનગરમાં બાળ લગ્ન અટકાવીએ, સામાજિક જવાબદારી નિભાવીએ – કલેકટર મેહુલ દવે
અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે મોટા પ્રમાણમાં વિવિધ સમાજના લગ્ન યોજાતા હોય છે. ત્યારે બાળ લગ્ન અટકાવવાના આશયથી ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેના નેતૃત્વમાં બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ખાસ તો બાળ લગ્ન ન થાય તે માટે માતા પિતા ઉપરાંત સમૂહ લગ્નના આયોજકો,સામાજિક આગેવાન, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઇયા, મંડપ ડેકોરેશન કરનાર, ફોટોગ્રાફર, લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બંને પરિવારોએ બાળલગ્ન ન થાય તેની વિશેષ કાળજી રાખવી આવશ્યક છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળલગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે. બાળકોના બાળલગ્ન કરાવનારને ૨ વર્ષ સુધીની કેદ, ૧ લાખના દંડની જોગવાઈ ઉંમર પૂર્ણ થયે જ દીકરા-દીકરીના માતા-પિતા પરિવાર દ્વારા દીકરા દીકરીના વગ્નનું આયોજન કરવું જોઈએ,આસપાસના વિસ્તાર, ગામ કે મોહલ્લામાં બાળલગ્ન ન થાય તે તકેદારી રાખવી જો બાળ લગ્ન થાય તો એક લાખનો દંડ અને બે વર્ષની કેદની સજાની જોગવાઈ છે
આમ, સામાજિક જવાબદારી સમજી બાળલગ્નને અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ-સ્ટેશનમાં અથવા ગાંધીનગર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા હેલ્પલાઈન ફોન નંબર ૦૭૯-૨૩૨૫૩૨૬૬ જાહેર કરવામાં આવ્યો છે તદુપરાંત ચાઈલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮), પોલીસ (૧૦૦), અભયમ હેલ્પલાઇન (૧૮૧) સહિતના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો, તેમ ગાંધીનગર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારો સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવ્યું છે.