દહેગામ APMC ખાતે રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર જાગૃતિ અભિયાન યોજાયું
ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા APMC દહેગામ ખાતે “રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેઇન” નું આયોજન માનનીય ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ રોડ સેફટી કમિશ્નરશ્રી એસ. એ. પટેલ તથા શ્રી મનોજ નીનામા (આઈ.જી., સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ) ની ગરિમામયી ઉપસ્થિત માં સફળતાપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાહનચાલકો તેમજ જાહેર જનતામાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો હતો. રાત્રિના સમયે દૃશ્યતા વધારવા માટે વાહનો પર રેડિયમ/રીફ્લેક્ટર ટેપ લગાવવામાં આવ્યા તથા “સલામત ડ્રાઈવિંગ – સુરક્ષિત જીવન” નો સંદેશ વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યો. એસ.એ. પટેલે લોકોએ સીટબેલ્ટના ઉપયોગ, હેલ્મેટ પહેરવી, રોંગ સાઈડ અને રોંગ લેન ડ્રાઈવિંગથી દૂર રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતમાં ગંભીર રોગો કરતા વધુ મૃત્યુ માર્ગ અકસ્માતથી થાય છે, જેનાથી માત્ર એક પરિવાર નહિ પરંતુ દેશને GDP પર પણ ૩% નુકશાન થાય છે.
APMC ખાતે આવેલા વાહનચાલકોમાં રેડિયમ ટેપ વિતરણ સાથે તત્કાલ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું.સાથે જ શ્રી એસ.એ.પટેલએ ઉપસ્થિત સર્વને જણાવ્યું હતું કે સતત એક અઠવાડિયા સુધી આ અભિયાન ચલાવી દરેક વાહન પર રેડિયમ લગાડવામાં આવશે જેનો લાભ એપીએમસી ખાતેથી સર્વ લઈ શકે તે માટે અનુરોધ કર્યો
કાર્યક્રમ દરમિયાન આઈ.જી.શ્રી, મનોજ નીનામાએ માહિતી આપી કે રાજ્યમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન આશરે ૭,૭૫૪ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને લગભગ ૧૨,૦૦૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. દહેગામ તાલુકામાં જ્યારે માત્ર ૧ મર્ડરનો બનાવ નોંધાયો, ત્યાં માર્ગ અકસ્માતમાં ૩૨ લોકોના મૃત્યુ થયા, જે માર્ગ અકસ્માત બાબતે જાગૃતિના અભાવને દર્શાવે છે. તેમણે કહ્યું કે, સ્કૂલના બાળકો અને અન્ડરએજ ડ્રાઇવિંગના ગંભીર પરિણામો બાબતે સમજૂતી આપવી ખૂબ જરૂરી છે. વાહનચાલકોને નાની બાબતો – જેમ કે બ્રેક લાઈટ, સાઈડ લાઈટ અને રીફ્લેક્ટર – પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ફેટલ અકસ્માત બાદ પરિવાર પર થતી માનસિક અને સામાજિક અસર અંગે પણ સંવેદના વ્યક્ત કરી.તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રામસભાઓ મારફતે ગ્રામ્ય લોકોમાં જાગૃતિ લાવવામાં આવે તે અત્યંત મહત્વપૂર્ણ છે.
કાર્યક્રમ દરમિયાન માનનીય ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં માર્ગ અકસ્માતો દ્વારા વધતો મૃત્યુઅંક અત્યંત ચિંતા જનક છે. તેમણે યાદ અપાવ્યું કે ભૂતકાળમાં તેઓએ મર્ચન્ટ એસોસિએશનના સહયોગથી ટ્રેક્ટર અને અન્ય વાહનો પર ફરજીયાત રેડિયમ લગાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. તેમણે વાહનચાલકો તેમજ નાગરિકોને સંવેદનશીલ બની ગામે ગામ વાહનો પર રેડિયમ/રીફ્લેક્ટર ટેપ લગાવા માટે સહભાગી થવાની અપીલ કરી. ઉલ્લેખનીય છે કે,રોડ સેફટીના આ અભિયાન અંતર્ગત ગુજરાત રોડ સેફટી ઓથોરીટી , APMC દહેગામ,દહેગામ પોલીસ તથા RTO ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને જાહેર જનતામાં ટ્રાફિક જાગૃતિ વધારવાના આશયથી APMC ખાતે આવેલ વાહનો પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રેડીયમ/રીફ્લેક્ટર ટેપ પણ લગાડવામાં આવી હતી.અને “સલામત ડ્રાઈવિંગ – સુરક્ષિત જીવન” નો સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દહેગામ વિસ્તારના માન.ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ,શ્રી વિ.બી.દેસાઈ(પોલીસ ઇન્સ્પેક્ટર,દહેગામ), વૈશાલીબેન(નગર પાલિકા પ્રમુખ), ઉર્વશીબેન(ચીફ ઓફીસર), નીલેશભાઈ પટેલ(સેક્રેટરી,APMC), નંદુભાઈ પટેલ(ડીરેક્ટર,APMC), પંકજ પટેલ(પ્રમુખ,વ્યાપારી મહામંડળ-દહેગામ APMC) સહિત સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવર સમુદાય, ખેડૂતો તેમજ ખેતીવાડીના વાહન વ્યવહાર સાથે સંકળાયેલા નાગરિકો હાજર રહ્યા હતાં.