વડોદરા: નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત
વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં નશામાં ધૂત કાર ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત હરીનગર બ્રિજથી ESI હોસ્પિટલ જતા માર્ગ પર બન્યો હતો. મળતી માહિતી મુજબ, કારમાં ચાલક સાથે બીજો એક યુવક પણ સવાર હતો. બંને યુવકો નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. ઘટનાસ્થળેથી કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કાર ઉપર બિયરના ટીન મૂકીને પોલીસની કથિત હપ્તાખોરીની પોલ ખોલી હતી, જે દર્શાવે છે કે શહેરમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં નશાખોરી અને અકસ્માતો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.