પંજાબમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 5થી વધુના મોત, અનેક ઘાયલ
પંજાબના લમ્બી નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામના ખેતરોમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાત્રે (આશરે ૧૨:૫૦ વાગ્યે) પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પ્રાથમિક અહેવાલ મુજબ, પાંચથી વધુ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે અને ૨૭ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક બઠિંડા એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બે માળની ફેક્ટરીની ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટના બન્યા પછી ફેક્ટરીનો જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે.
ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના જણાવ્યા અનુસાર, અહીં લગભગ ૪૦ કર્મચારીઓ બે શિફ્ટમાં કામ કરતા હતા, જેમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ અને બિહારના વતની હતા અને કેટલાક તો અહીં પરિવાર સાથે જ રહેતા હતા. ઘટનાસ્થળેથી તૈયાર ફટાકડાના બોક્સ અને હરિયાણાની નંબર પ્લેટવાળું એક વાહન પણ મળી આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.