ગાંધીનગર

ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આજે રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સહકારથી સમૃદ્ધિ સંમેલન” યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન પૂર્વે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંમેલન અંતર્ગત વિવિધ સહકારી મંડળીઓ દ્વારા લગાવવામાં આવેલી પ્રદર્શનીની મુલાકાત લઈને મંડળીના પ્રદર્શનકારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો.

સહકારથી એક શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થાય છે’; આ થીમ સાથે આયોજિત સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સહકારી આગેવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે. અહીંના નાગરિકો માત્ર પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ પોતાની સાથેના લોકોની ઉન્નતિ માટે પણ કાર્ય કરે છે. તેમણે કહ્યું કે, દુનિયામાં એ જ લોકો સારા અને ઉમદા ગણાય છે, જે પોતાની સાથે અન્ય લોકોના કલ્યાણની ચિંતા કરે છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતના લોકો સહકારના બળ પર નિરંતર આગળ વધતા રહ્યા છે અને એનું જીવંત ઉદાહરણ છે – અમૂલ ડેરી. ગામડાંથી શરુ થયેલી નાની ડેરી આજે વિશ્વ કક્ષાએ ઓળખ મેળવી ચૂકી છે. તેમણે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓને આહવાન કર્યું કે કૃષિ, બેંકિંગ, મત્સ્ય ઉદ્યોગ કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં સહકાર દ્વારા નવી તકો ઊભી કરી, રોજગારીનું સર્જન કરો અને લોકોના જીવનમાં સુધારો લાવવાનો સંકલ્પ લો.

વેદોના ઉલ્લેખ સાથે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, બુદ્ધિશાળી અને સંસ્કારી લોકો એકસાથે સમાજના હિત માટે કાર્ય કરે તે જરૂરી છે. સમાજ સંગઠિત થયા વિના દેશ આગળ વધી શકે નહીં. સમજુ અને જ્ઞાની લોકોની ફરજ છે કે તેઓ સાથે મળીને ઊર્જા, સંપત્તિ અને સંસાધનોના વિસ્તરણ માટે પરસ્પર સહયોગી બને.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગામડાના છેવાળાના માનવી સુધી સહકારનો લાભ પહોંચાડવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે અને ગુજરાતના કુશળ સહકારી આગેવાન અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આ મંત્રાલયનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઘોષિત કરવું એ પણ એના વૈશ્વિક મહત્ત્વનું ઉદાહરણ છે.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને તેમના કાર્યક્ષેત્રના વિસ્તાર માટે પ્રેરિત કરતાં કહ્યું કે, તમારી પાસે વર્ષોનો અનુભવ છે, તેનો ઉપયોગ કરી સહકાર ક્ષેત્રને વધુ ઉન્નત બનાવો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *