ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી: ૧૯થી વધુ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, ગરમીથી રાહતની આશા
અમદાવાદ: રાજ્યના અમુક ભાગોમાં ભલે હજુ ગરમીનો અનુભવ થતો હોય, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આગામી ૧૫ જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦ થી ૧૨ જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, ૧૩ જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ સહિત ૧૯થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. ૧૪ અને ૧૫ જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ ગરમીથી લોકોને આંશિક રાહત આપી શકે છે.