ગાંધીનગર કલેક્ટરની અધ્યક્ષતામાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગર: કલેક્ટર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં આજે બેટી બચાવો બેટી પઢાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને પી.બી.એસ.સી. સેન્ટર જેવી મહિલાલક્ષી યોજનાઓની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી.
કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, સરકારની તમામ મહિલા સુરક્ષા અને સુખાકારીની યોજનાઓ સારી રીતે કાર્યરત છે, પરંતુ તેનો લાભ જરૂરતમંદ મહિલાઓ સુધી પહોંચે તે માટે સઘન પ્રચાર-પ્રસાર કરવો અનિવાર્ય છે. તેમણે પોલીસ, શિક્ષણ, રોજગાર, ICDS, સમાજ સુરક્ષા અને લીડ બેંક મેનેજર સહિત તમામ સંબંધિત કચેરીઓને મહિલા અને બાળ અધિકારીની કચેરી સાથે સંકલન સાધીને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા સૂચન કર્યું હતું.
હિંસાથી પીડિત મહિલાઓ માટે ગાંધીનગર અને દહેગામ તાલુકામાં નવા પીબીએસસી સેન્ટર શરૂ કરવાની દરખાસ્ત કરવા પણ તેમણે જણાવ્યું હતું. કલેક્ટરે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ સખી મંડળો સાથે સંકલન સાધીને ઘરેલું હિંસા, નશામાં થતી હિંસા અને પોક્સોના કેસમાં પોલીસ સ્ટેશનો મારફત મદદ મળે તેના પર ભાર મૂક્યો. તેમણે જિલ્લાની તમામ શાળાઓમાં દીકરીઓને ગુડ ટચ-બેડ ટચ, સાયબર ક્રાઇમ અને પોક્સો એક્ટ જેવા કાયદાઓથી માહિતગાર કરવા શિક્ષણ વિભાગને સૂચના આપી. નિવાસી અધિક કલેક્ટર નિશા શર્માએ સખી વન સ્ટોપ સેન્ટર અને ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાઓની કામગીરીને બિરદાવી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.