ગાંધીનગર

એસ. આર. મિડીયા એન્ડ કૉમ્યુનિકેશન્સ તથા કડી સર્વ વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સમાચાર પત્રોની ભાષા અંગે ચિંતન કરતી “સત્ત્વ” ગોષ્ઠી યોજાઈ

એસ. આર. મિડીયા એન્ડ કૉમ્યુનિકેશન્સ તથા કડી સર્વ વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સેક્ટર- ૧૫માં LDRP કેમ્પસમાં યુનિવર્સિટી બિલ્ડીંગ ખાતે કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસીડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલના માર્ગદર્શનથી પત્રકારત્વ વિભાગ ખાતે એક સકારાત્મક, સર્જનાત્મક અને સાત્વિક ચિંતન કરતી “સત્ત્વ” ગોષ્ઠીના પ્રથમ કાર્યક્રમમાં “અષાઢસ્ય પ્રથમ અખબાર” શિર્ષક હેઠળ સમાચાર પત્રોની ભાષા અંગે સર્જનાત્મક ચિંતન અને મનન કરતી ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠીમાં ઉદઘાટક પદે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીટાબહેન પટેલ, અતિથિ વિશેષ ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ રમેશભાઈ ઠક્કર અને કેએસવીના કેમ્પસ ડાયરેક્ટર ડો.કેયુરભાઈ શાહ તથા મુખ્ય વક્તાઓ તરીકે પાટનગરના પ્રથમ દૈનિક “ગાંધીનગર સમાચાર”ના પૂર્વ તંત્રી અને ચાર દાયકાના અખબારી અનુભવનો સમૃદ્ધ સમુદ્ર એવાં કૃષ્ણકાન્ત જહા, જાણીતા કોલમિસ્ટ, લેખક, ચિંતક, વક્તા તથા પૂર્વ અધિક માહિતી નિયામક અને ગુજરાત મેગેઝીનના પુર્વ મેનેજિંગ એડિટર પુલકભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતા. આ ગોષ્ઠીનું વિષયોચિત સંચાલન જાણીતા નાટ્ય અને ફિલ્મ લેખક તથા ચિંતક જીગરભાઈ રાણાએ કર્યુ હતું.

ગોષ્ઠી દરમ્યાન વાચકો વતી જીગરભાઈ રાણાએ વક્તાઓને સવાલો પૂછ્યા હતા જેના જવાબમાં કૃષ્ણકાન્ત જહાએ આ ગોષ્ઠીના વિચારને “વાવાઝોડા સામે દીવો લઈને ચાલવા જેવો” ગણાવતા કહ્યું હતું કે “જોડણી માટે વાચકો હજુ પણ જાગૃત છે તેવો મારો દાવો છે, વ્હોટ્સએપ યુનિવર્સિટીમાં જે શબ્દો ચાલે છે તે શબ્દો પ્રિન્ટ મીડિયામાં ચાલતા નથી. હેલોજન ગમે તેટલો પ્રકાશ આપે પણ વંદન તો દીવાના અજવાળામાં જ થાય, આજે અનેક ન્યુઝ ચેનલ્સ છે છતા અખબારો ચાલે છે, જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવીત છે ત્યાં સુધી અખબારો ચાલશે. વિશ્વાસનીયતા માટે આજે પણ પ્રિન્ટ મીડિયા આગળ છે. લખાયેલો શબ્દ આજે પણ ઈશ્વરની વધુ નજીક છે, અંગ્રેજીના આક્રમણને ખાળવા ગુજરાતી અખબારો અડીખમ બને એ જરૂરી છે. પત્રકાર હકીકત પર લખે છે જ્યારે સાહિત્યકાર કલ્પના આધારિત લખે છે.”

પુલકભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે “મારી દ્રષ્ટિએ પત્રકાર અને સાહિત્યકાર બંને સાથે ચાલે છે પત્રકાર લખે છે તે ઉતાવળે લખાયેલું અને સાહિત્યકારે લખેલું નિરાંતે લખાયેલું હોય છે. પારસીઓ ગુજરાતીમાં નબળા હતા પરંતુ તેમણે પ્રથમ અખબાર શરૂ કર્યું હતું. તેઓ જોડાક્ષર બોલી શકતા નહોતા તેથી તેના બીબા બની શક્યા નહીં અને શબ્દ આખા જ છપાતા હતા આજે પણ ફારસી શબ્દો ગુજરાતીમાં વપરાય છે. નર્મદના કારણે અખબારોની ગુજરાતી ભાષા બધું શુદ્ધ બની છે. ગાંધીજીએ ચાર દાયકા પત્રકારત્વ કર્યું, તેઓ પહેલા પત્રકાર હતા પછી રાજનેતા હતા. સામાન્ય રીતે બોલચાલમાં જે બોલાય છે તે લખાતું નથી અને જે લખાય છે તે બોલાતું નથી. જો તંત્રીઓ જાગૃત રહેશે તો પત્રકારત્વ ટકી રહેશે. ભાષા સંવર્ધન માટે શબ્દ ભંડોળ વધારવું જરૂરી છે. ગુજરાતી પત્રકારત્વ 150-200 શબ્દોમાં જ ફરે છે સમાચાર બદલાય છે, પણ શબ્દો એના એ જ રહે છે.

ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખશ્રી રમેશ ઠક્કરે પ્રતિભાવ આપતાં કહ્યું કે “આ એક સુંદર વિચાર છે, સમગ્ર ઉપક્રમ ખુબ સરસ રહ્યો છે. નવી પેઢીને ગુજરાતી ભાષા સમજવાની તાલાવેલી તો છે પણ તેને ભણાવે તેવા શિક્ષકો નથી. આ પ્રકારના કાર્યક્રમ યોજાવા જોઈએ. કેએસવીના કેમ્પસ ડાયરેક્ટર ડો.કેયુરભાઈ શાહે સમગ્ર કાર્યક્રમને ઉત્તમ ચિંતન ગણાવતા કહ્યું હતું કે “બાળક જે ભાષામાં સપના જુએ તે ભાષામાં ભણાવવો જોઈએ, બાળક ગુજરાતીમાં સપના જુએ સાથે ગુજરાતીમાં વાંચન કરે તે પણ જરૂરી છે.” કાર્યક્રમનું સંચાલન યુવા કવિ અંકુર શ્રીમાળીએ કર્યું હતું અને ગોષ્ઠીનું સંચાલન જીગરભાઈ રાણાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કેએસવી પત્રકારત્વ વિભાગના પ્રિન્સિપાલ મિતેશભાઇ મોદીએ કર્યું હતું જયારે કાર્યક્રમના સમાપને આભાર દર્શન મુખ્ય આયોજક સમીર રામીએ કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *