ગાંધીનગરમાં વ્યાજખોરોને સજા: વૃદ્ધના આપઘાત કેસમાં ચારને પાંચ વર્ષની કેદ
ગાંધીનગર શહેર નજીક ભાટ (Bhat) પાસે સાબરમતી નદીમાં (Sabarmati River) વ્યાજખોરોના (Moneylenders) ત્રાસથી ચિઠ્ઠી લખીને આપઘાત કરનાર મહેશભાઈ ડાંગીના કેસમાં ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે (Principal District & Sessions Court) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ચાર વ્યાજખોરોને પાંચ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને ₹૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
મળતી વિગતો મુજબ, મૃતક મહેશભાઈ ડાંગીએ કવિતાબેન તુષેકર પાસેથી ₹૭૦,૦૦૦ અને અશોક રાણાના પિતા પાસેથી ₹૧ લાખ વ્યાજે લીધા હતા. નોકરી છૂટી જતાં તેઓ પૈસા પરત ન કરી શકતા, વ્યાજખોરો દ્વારા તેમને અસહ્ય ત્રાસ (Harassment) આપવામાં આવ્યો હતો. આનાથી કંટાળીને નવેમ્બર ૨૦૨૧ માં તેમણે અંતિમ ચિઠ્ઠી લખી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઇન્ફોસિટી પોલીસે (Infocity Police) કવિતાબેન હરેશભાઈ તુષેકર (Kavitaben Hareshbhai Tushekar), તેમના પુત્ર ઉર્વેશ હરેશભાઈ તુષેકર (Urvesh Hareshbhai Tushekar), સંજય રોહિતભાઈ છારા (Sanjay Rohitbhai Chhara) અને અશોક ભૂરાજી રાણા (Ashok Bhuraji Rana) સામે ગુનો દાખલ કર્યો હતો. સરકારી વકીલ જીગ્નેશ જોષી (Jignesh Joshi) ની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ કડક સજા ફરમાવી છે, જે વ્યાજખોરો માટે એક દાખલો (Precedent) બેસાડશે.