ગુજરાત

RTOએ મેઈન ગેટ બંધ કરી પાછલા દરવાજેથી પોલીસ બોલાવી 49 એજન્ટની ધરપકડ

અમદાવાદ:

સુભાષબ્રિજ આરટીઓમાં એજન્ટોને પકડવા માટે મુખ્ય દરવાજો બંધ કરી દઈ 49 એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. બપોર બે વાગે અચાનક કરેલી કાર્યવાહીથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આરટીઓની કાર્યવાહીથી કર્મચારીઓ સાંજે ચાર સુધી જમવા બહાર જઇ શક્યા ન હતાં.

વાહનવ્યવહાર વિભાગે 4 સપ્ટેમ્બરે વિવિધ આરટીઓને પરિપત્ર કરી એજન્ટ પ્રથાના પ્રતિબંધનો કડક અમલ નહીં થાય તો જે તે આરટીઓને જવાબદાર ગણાશે. જેના પગલે સુભાષબ્રિજ આરટીઓ એસ.પી.મુનિયાએ શુક્રવાર બપોરે બે વાગે અચાનક કાર્યવાહી શરૂ કરી હતી. સવારે 11 વાગ્યાથી એજન્ટો પ્રવેશ્યા હતાં છતાં બપોર બે વાગે કાર્યવાહી શરૂ કરાઇ હતી.

આરટીઓએ મુખ્ય દરવાજો બંધ કરાવી દીધો હતો અને પાછળના દરવાજેથી પોલીસ કાફલો કચેરીમાં બોલાવી એજન્ટોને પકડાવ્યા હતાં. પોલીસની ગાડીઓ ભરાઇ ગયા બાદ ફરીવાર પોલીસવાન આવે ત્યાં સુધી દરવાજો બંધ રાખ્યો હતો અને ભારે બફારા વચ્ચે એજન્ટો તેમજ અરજદારોને પણ અંદર ગોંધી રાખ્યા હતાં. લોકોએ વિરોધ કરતા અરજદારોની ઓળખ લઈ જવા દેવાયા હતા. જ્યારે એજન્ટોને ચારેય તરફથી કોર્ડન કરી દેવાયા હતાં. ચાર વાગ્યા સુધી કાર્યવાહી કરી 49 એજન્ટની ધરપકડ કરી રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. બે માળની કચેરીમાં માત્ર પ્રથમમાળે જ કાર્યવાહી કરાઇ હતી. જ્યારે લાઇસન્સ વિભાગ, ટેસ્ટટ્રેક તેમજ નંબર પ્લેટ વિભાગમાં કાર્યવાહી વગર જ એજન્ટો નહીં હોવાનો આરટીઓએ દાવો કર્યો હતો.

અધિકારીઓ સામે પગલાંની માગણી
હાલ અરજદારો સીધા આવે તો અધિકારીઓ રવાના કરી દેતા હોય છે. અરજદાર કોઈ એજન્ટને સાથે રાખીને જાય તો તેનું કામ તાત્કાલિક થઈ જતું હોય છે. આમ છતાં એજન્ટ વગર કામ નહીં કરવા ટેવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી? લોકોની માગ છે કે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થશે તો જ આરટીઓમાં દૂષણ સમાન બની ગયેલી એજન્ટ પ્રથા બંધ થશે.

એજન્ટને અપાયેલા આઈ કાર્ડ પણ માન્ય નહીં ગણાય: એસ.પી.મુનિયા, આરટીઓ, સુભાષબ્રિજ

સવાલ: અગાઉ આરટીઓ હર્ષવર્ધન મોદી અને ડીએમરાવએ એજન્ટોનો ડિલરોના પ્રતિનિધી તરીકે ફાળવેલા આઇકાર્ડ માન્ય ગણાશે ?
જવાબ: કોઇ પણ આઇકાર્ડ માન્ય નહીં ગણાય

સવાલ: પાવર ઓફ એટર્ની અને એફિડેવિટ માન્ય રહેશે ?
જવાબ: પાવર ઓફ એટર્નીનો એક જ વાર ઉપયોગ થઇ શકશે. બીજીવાર નહીં. એફિડેવિટ માન્ય નથી.

સવાલ: તમે દરરોજ કાર્યવાહી કરશો ?
જવાબ: દરરોજ પોલીસ બોલાવી કાર્યવાહી કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *