ઝેલેન્સકી ભારત આવશે: PM મોદીના આમંત્રણથી સંબંધો મજબૂત બનશે
નવી દિલ્હી: ભારતની વિદેશનીતિનું સંતુલિત ચિત્ર ફરી એકવાર સામે આવ્યું છે, જ્યાં દેશ એક તરફ રશિયા સાથેની ગાઢ મિત્રતા જાળવી રહ્યો છે, તો બીજી તરફ યુક્રેન સાથે પણ નવા સંબંધો સ્થાપિત કરી રહ્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દિલ્હીના ઐતિહાસિક કુતુબ મિનારને યુક્રેનના રાષ્ટ્રધ્વજના રંગોથી રોશન કરવામાં આવ્યો, જે ભારત અને યુક્રેન વચ્ચે વધતી નિકટતાનો એક પ્રતીકાત્મક સંકેત હતો.
યુક્રેનના રાજદૂત ઓલેક્સાન્ડર પોલિશચુકે આ ઘટનાને “ભારત અને યુક્રેન વચ્ચે ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારી” તરફનું પગલું ગણાવ્યું. તેમણે એ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. બંને દેશો વચ્ચેની મુલાકાતની તારીખો નક્કી કરવાનું કામ ચાલી રહ્યું છે, જે સંબંધો માટે એક મોટી સિદ્ધિ ગણાશે. આ વિકાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવાના છે. આ ઘટનાક્રમ ભારતની સંતુલિત કૂટનીતિ અને તટસ્થતાની નીતિને પુષ્ટિ આપે છે.