ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ચાલુ: ૮ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. આજે પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં ન હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કુલ આઠ જિલ્લામાં સવારે ૧૦ વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ આઠ જિલ્લામાં સવારે ૧૦ વાગ્યા સુધી ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય રાજ્યના બાકીના ૨૬ જિલ્લામાં યલો એલર્ટ રહેશે, જ્યાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આથી, નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં ભરવા અપીલ કરવામાં આવી છે.