ગાંધીનગરમાં ઠગાઈ: લાખોના રોકાણ બાદ નફો કે મૂડી પરત ન મળતા ગુનો નોંધાયો
ગાંધીનગર: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયેલા ભગવાનભાઈ વિરાણી સાથે ભાગીદારીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. નિવૃત્તિ બાદ રોકાણ કરવાનું વિચારતા ભગવાનભાઈને બિલ્ડિંગ પ્રોજેક્ટમાં ભાગીદાર બનાવવાની લાલચ આપીને તેમની પાસેથી ₹૨.૩૫ કરોડનું રોકાણ લેવામાં આવ્યું હતું. આખરે, રોકાણ પેટે દુકાનનો દસ્તાવેજ ન કરી આપતા અને આપેલો ચેક પણ રિટર્ન થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
૨૦૨૨માં ભગવાનભાઈનો પરિચય જીતેન્દ્ર પટેલ અને મનજીભાઈ વેકરીયા સાથે થયો હતો. મનજીભાઈએ આયુષી કન્સ્ટ્રક્શન હેઠળ ચાલી રહેલા ધ લાભવર્ધન પ્રોજેક્ટમાં નાણાંની જરૂરિયાત હોવાથી તેમને ઊંચા નફાની લાલચ આપી ભાગીદાર બનાવ્યા. ભગવાનભાઈએ ₹૨.૩૫ કરોડ રોકડા આપ્યા, જેમાંથી તેમને એક વર્ષ બાદ ન તો નફો મળ્યો કે ન તો મૂડી પરત મળી.
વારંવાર હિસાબ માંગતા, મનજીભાઈએ તેમને ભાગીદારીમાંથી છૂટા થવા દબાણ કર્યું. ત્યારબાદ, બે બિલ્ડર મનુભાઈ અને ભરતભાઈ રાવળ સાથેની બેઠકમાં ₹૧.૧૩ કરોડના બદલામાં એક દુકાન અને બાકીના ₹૯૦ લાખ માટે ચેક આપવાનું નક્કી થયું. પરંતુ, ચેક રિટર્ન થયો અને દુકાનનો દસ્તાવેજ પણ અપાયો નહીં. આખરે, ભગવાનભાઈએ ત્રણેય આરોપીઓ સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.