અમદાવાદમાં PMની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીના આક્ષેપ
અમદાવાદ: આગામી ૨૫ ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલ ખાતે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને લઈ રાજકીય વિવાદ ઊભો થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે સભામાં શિક્ષકોની ફરજિયાત હાજરી રાખવામાં આવી છે. તેમણે દાવો કર્યો છે કે દરેક શાળામાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોને હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આયોજન માટે બેઠકો થઈ રહી છે અને વોટ્સએપ સંદેશા તથા શાળાના આચાર્યોને સૂચનાઓ મોકલીને આ ફરજિયાત હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. આ સંદેશા મુજબ, શિક્ષકોને નિર્ધારિત સ્થળ પર બપોરે ૨:૩૦ કલાકે પહોંચી એએમટીએસ બસ દ્વારા સભા સ્થળે જ લઈ જવામાં આવશે. શિક્ષકોને સીધા સભા સ્થળે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
વધુમાં, કોંગ્રેસે એમ પણ જણાવ્યું છે કે શાળાના આચાર્યોને કહેવામાં આવ્યું છે કે જો દસ કરતાં વધુ શિક્ષકો સભામાં જોડાવા ઈચ્છે તો શાળામાં રજા આપી દેવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ આક્ષેપો પરથી સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર મુદ્દો રાજકીય ગરમાવો લાવશે.