ગાંધીનગરમાં ઠગ ગેંગ સક્રિય: કુપન લોટરીના નામે ₹૧૩,૯૦૦ પડાવીને ગઠીયો ફરાર
ગાંધીનગર: ગાંધીનગરમાં ઠગાઈ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે અને ગઠિયાઓ હવે નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને છેતરી રહ્યા છે. આ વખતે સેક્ટર ૭માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ગઠિયાએ નવો શોરૂમ શરૂ કર્યો હોવાનું કહીને એક વૃદ્ધને કુપન સ્ક્રેચ કરાવી અને ઇલેક્ટ્રિક સગડી આપીને ₹૧૩,૯૦૦ ની છેતરપિંડી કરી હતી. આ ઘટનાને પગલે સેક્ટર ૭ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ગત ૧૭ ઓગસ્ટના રોજ સેક્ટર ૨માં રહેતા લક્ષ્મીશંકર વ્યાસ નામના એક વૃદ્ધના ઘરે એક યુવક આવ્યો હતો અને પોતાને બ્રાહ્મણ ગણાવી જણાવ્યું હતું કે તેણે નવો શોરૂમ ખોલ્યો છે. તેણે વૃદ્ધને કુપન સ્ક્રેચ કરાવતા જણાવ્યું કે જો નાનું ઈનામ લાગશે તો પૈસા આપવા પડશે નહીં, પરંતુ મોટું ઈનામ લાગશે તો થોડી રકમ ચૂકવવી પડશે. વૃદ્ધ આ યુવકની વાતોમાં આવી ગયા અને કુપન સ્ક્રેચ કરતા તેમને એસી, વોશિંગ મશીન, ગેસ સ્ટવ જેવા મોટા ઇનામો લાગ્યા.
યુવકે જણાવ્યું કે આ ઇનામો માટે ₹૧૩,૯૦૦ ચૂકવવા પડશે. વૃદ્ધે વિશ્વાસમાં આવીને પૈસા આપી દીધા અને બદલામાં યુવકે તેમને એક ઇલેક્ટ્રિક સગડી આપી. યુવક બાકીની વસ્તુઓ લઈને આવું છું તેમ કહીને રવાના થયો, પરંતુ પાછો ફર્યો જ નહીં. છેતરપિંડીનો અહેસાસ થતાં વૃદ્ધે પરિવારને જાણ કરી અને ત્યારબાદ સેક્ટર ૭ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.