માણસામાં રેતીચોરો બેફામ: દરોડા પાડવા ગયેલી ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો, સરપંચ સહિત ૨૫ સામે ગુનો
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં વધી રહેલી રેતી ચોરીની પ્રવૃત્તિને અટકાવવા ગયેલી ભૂસ્તર વિભાગની ટીમ પર માણસાના દેલવાડ ગામ પાસે હુમલો થયો છે. રેતી ચોરીના દરોડા દરમિયાન, સરપંચ સહિત ૨૫ થી વધુ લોકોના ટોળાએ સરકારી કર્મચારીઓ સાથે મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના અંગે માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા ભૂસ્તર તંત્રની ફ્લાઈંગ ટીમને માહિતી મળી હતી કે માણસાના દેલવાડમાં રાત્રિના સમયે મોટા પાયે રેતી ચોરી થઈ રહી છે. આ માહિતીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સત્યમ જયેશકુમાર પંડ્યાની આગેવાની હેઠળની ટીમે દરોડો પાડીને રેતી ભરેલા વાહનો પકડ્યા હતા. આ દરમિયાન, ઘનશ્યામભાઈ ચાવડા ઉર્ફે ભોલાભાઈ સરપંચ અને તેમના પુત્ર સહિત ૨૫-૩૦ લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું.
ટોળાએ સરકારી ટીમની કામગીરીમાં અવરોધ ઊભો કરીને ધમકી આપી હતી. આ દરમિયાન, સરપંચ અને તેના પુત્રએ સર્વેયર વેદાંતભાઈ પટેલ સાથે ઝપાઝપી કરીને તેમને માર માર્યો હતો. અન્ય આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ પર પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રેતીચોરો ટીમના વાહનોની ચાવીઓ છીનવીને વાહનો ભગાડી ગયા હતા. આ ગંભીર ઘટના બાદ માણસા પોલીસે સરપંચ સહિત ૨૫ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.