અમદાવાદ: વડાપ્રધાનનો બંદોબસ્ત પૂરો કરી પરત ફરતી બે મહિલા કર્મચારીઓનું મોત
અમદાવાદ: સોમવારે (25 ઓગસ્ટ) અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનો બંદોબસ્ત પૂરો કરીને પરત ફરતી બે મહિલા કર્મચારીઓનું ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. આ ઘટના શહેરના કઠવાડા વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી મુજબ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ વિરલ રબારી અને 108 સેન્ટરના મહિલા કર્મચારી હિરલ રાજગોર એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે એક ડમ્પર ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલા કર્મચારીઓ ડમ્પર નીચે કચડાઈ ગયા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બંને ઇજાગ્રસ્ત મહિલા કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પોલીસ વિભાગ અને 108ના કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે સમગ્ર ઘટના અંગે જી ડિવિઝનમાં ફરિયાદ નોંધી છે અને ફરાર ડમ્પર ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.