અમેરિકી ટેરિફ પર રઘુરામ રાજનનું નિવેદન: ‘વેપારને હથિયાર બનાવાઈ રહ્યા છે, ભારત સાવચેત રહે’
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફને અત્યંત ગંભીર ગણાવ્યો છે. બુધવાર (27 ઓગસ્ટ)થી અમલમાં આવેલા આ ટેરિફ અંગે તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં વેપાર, રોકાણ અને નાણાને હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, અને ભારતે આ બાબતે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે.
એક ઇન્ટરવ્યુમાં ડૉ. રાજને કહ્યું કે, “આ એક ચેતવણી છે. આપણે કોઈ એક વેપારિક સહયોગી પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવી જોઈએ.” તેમણે પૂર્વ, યુરોપ, આફ્રિકા અને અમેરિકા સાથે પણ સંબંધો જાળવી રાખવાની સલાહ આપી. રશિયન ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની નીતિ વિશે તેમણે પુનર્વિચાર કરવા જણાવ્યું અને કહ્યું કે, આનાથી કોને ફાયદો થઈ રહ્યો છે તે જોવું જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, નિકાસકારો ટેરિફ દ્વારા કિંમત ચૂકવી રહ્યા છે, જ્યારે રિફાઇનરીઓ ભારે નફો કમાઈ રહી છે.
ડૉ. રાજને ભારતની સરખામણી ચીન સાથે કરતા કહ્યું કે, આ મુદ્દો ભૌગોલિક રાજનીતિનો છે, અને ભારતે આ સંકટને એક તક તરીકે જોવું જોઈએ. તેમણે પુરવઠા અને નિકાસ બજારોમાં વિવિધતા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ, તેમણે વેપાર કરવાની સરળતા, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં એકીકરણ અને સ્થાનિક કંપનીઓ વચ્ચે સ્પર્ધાત્મકતા સુધારવા માટે માળખાકીય સુધારાઓની હિમાયત કરી.