ચમોલીમાં આભ ફાટ્યું: ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ
દેહરાદૂન: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુ ભારે સાબિત થઈ રહી છે. એક પછી એક આભ ફાટવાની ઘટનાઓથી જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દેવાલના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યું, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે.
આ ઘટનામાં બે લોકો ગુમ થયા છે, જ્યારે સમગ્ર વિસ્તારના ઘરોમાં કાટમાળ અને કાદવ ફરી વળ્યા છે. ઘણા મકાનોને નુકસાન થયું છે અને 15 થી 20 જેટલા પશુઓ કાટમાળ નીચે દટાઈ જતાં તેમના મૃતદેહ મળી આવ્યા છે, જેનાથી લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ પુષ્ટિ કરી કે ગુમ થયેલા બે લોકોમાં તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કાટમાળમાંથી બચાવીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ તથા કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.