ચિલોડા પોલીસે રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
ગાંધીનગર: ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે પર ચિલોડા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનથી આવતી એક લક્ઝરી બસમાંથી સિલિન્ડરના પાર્સલની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને સિલિન્ડર સહિત કુલ ₹૫૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પાર્સલ મંગાવનાર અને મોકલનારની શોધખોળ શરૂ કરી છે.
પોલીસને બાતમી મળી હતી કે એક લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ શરૂ કર્યું. બસને રોકાવીને મુસાફરોના સામાનની તપાસ કરાઈ, પરંતુ કંઈ ન મળતાં પોલીસે બસની ડેકીમાં જોયું. ત્યાં સિલિન્ડરના આકારના શંકાસ્પદ પાર્સલ જોવા મળ્યા.
પોલીસે આ પાર્સલ ખોલીને જોતાં અંદરથી વિદેશી દારૂની ૨૧૬ બોટલો મળી આવી. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પાર્સલ ઉદેપુર રેલવે સ્ટેશન પાસેથી મૂકવામાં આવ્યું હતું અને તેને અમદાવાદમાં લેવાનું હતું. જોકે, પાર્સલ તેના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલાં જ પોલીસે તેને પકડી પાડ્યું. ચિલોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.