GST સ્લેબમાં ફેરફારથી જુઓ શું થયું સસ્તું અને શું થયું મોંઘુ..?
જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયેલા મોટા નિર્ણય બાદ સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. સરકારે દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ, વાહનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ખેતી સંબંધિત સાધનો પરનો જીએસટી ઘટાડી દીધો છે, જેનાથી આ તમામ વસ્તુઓ સસ્તી થશે.
આ ટેક્સ ઘટાડાથી ઘણા ઉત્પાદનોના ભાવ ઘટશે. હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ જેવા ઉત્પાદનો હવે ૧૮% ને બદલે માત્ર ૫% જીએસટી પર મળશે. માખણ, ઘી, ચીઝ જેવા ડેરી ઉત્પાદનો અને પેકેજ્ડ નમકીન પરનો ટેક્સ ૧૨% થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પરનો ૧૮% ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.
આરોગ્ય ક્ષેત્રે પણ રાહત મળી છે, જ્યાં થર્મોમીટર, મેડિકલ ઓક્સિજન, ગ્લુકોમીટર અને ચશ્મા જેવા સાધનો પણ હવે સસ્તા થયા છે. પાઠ્યપુસ્તકો, નોટબુક્સ, પેન્સિલ અને ઇરેઝર જેવી સ્ટેશનરી વસ્તુઓ હવે ટેક્સ ફ્રી થઈ છે. ખેડૂતોને પણ મોટી રાહત મળી છે, કેમ કે ટ્રેક્ટર, તેના ટાયર, જંતુનાશકો અને ખેતીના મશીનો પરનો ટેક્સ ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે.
વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ પણ સસ્તા થયા છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કાર, થ્રી-વ્હીલર, બાઇક અને માલ પરિવહન વાહનો પરનો ટેક્સ ૨૮% થી ઘટાડીને ૧૮% કરાયો છે. આ ઉપરાંત, એર કંડિશનર, મોટા ટીવી, મોનિટર અને ડીશ વોશિંગ મશીન પણ હવે સસ્તા મળશે. જોકે, લક્ઝરી કાર-બાઇક, તમાકુ ઉત્પાદનો, સિગારેટ, ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ પર હવે ૪૦% નો સ્પેશિયલ જીએસટી વસૂલવામાં આવશે, જેનાથી આ વસ્તુઓ મોંઘી થશે.