ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે મંજુર કરેલ સાતમા પગારપંચની ભલામણો મુજબ ૧લી ઓગસ્ટ થીજ ગુજરાત સરકારના કર્મચારીઓને લાભ મળશે : નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

★ રાજ્ય સરકારના અધિકારી કર્મચારી પેન્શનર્સ અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના કર્મચારીઓને લાભ
★ રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૮૫૧૩ કરોડનું વધારાનું ભારણ પડશે
**********
નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચની ભલામણો સ્વીકારીને તે મુજબ કર્મચારીઓને પગાર ભથ્થાના લાભો આપવાનું નક્કી કર્યુ છે. તે મુજબ જ ગુજરાત સરકારના કર્મચારીઓને ૧ લી જાન્યુઆરી, ૨૦૧૬ થી લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે, જેનો પગારમાં વાસ્તવિક અમલ ૧ લી ઓગસ્ટ ૨૦૧૬ થી થશે. પેન્શનર્સ માટે વાસ્તવિક અમલ ૧ લી ઓક્ટોબર-૨૦૧૬ થી થશે. આ માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ૮૫૧૩ કરોડનું વધારાનું ભારણ પડશે.

શ્રી પટેલે ઉમેર્યુ કે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના કર્મચારીઓના હિત માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચની ભલામણો સ્વીકારાઇ છે તે મુજબ આ લાભો મળશે. ઉપરાંત પગાર ભથ્થા તથા અન્ય ભથ્થાઓના લાભ, એરીયર્સની ચુકવણી અને પગાર વિસંગતતા સંદર્ભે વિચારણા કરીને રાજ્ય સરકારને ભલામણ કરવા માટે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને વરીષ્ઠ સચિવશ્રીઓની સમિતિની રચના કરવાનો મંત્રીમંડળે નિર્ણય કર્યો છે, અને આ કમિટી નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં રચાનાર મંત્રીમંડળની પેટા સમિતિમાં તેની ભલામણો કરશે. અને આ મંત્રીમંડળની કમિટી ભલામણોનો અભ્યાસ કરી ત્યારબાદ મંત્રીમંડળ સમક્ષ રજુ કરશે. અને પછી યોગ્ય અને જરૂરી નિર્ણય કરાશે.

શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ, કે સાતમા પગારપંચ મુજબ હાલ રાજ્ય સરકારના અને પંચાયતના અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના કર્મચારીઓ માટે સંબંધિત વિભાગ દ્વારા નાણા વિભાગની મંજૂરી મેળવ્યા બાદ નિયમાનુસાર લાભ મળશે. હાલ પે બેન્ડ અને ગ્રેડ-પે આધારીત પગાર માળખાને સ્થાને પે મેટ્રીક્ષ મુજબ સુધારેલ પગાર માળખાનું અમલ કરવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયુ છે જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ પે મેટ્રીક્ષ મુજબ રાજ્યના કર્મચારીઓને લાભ મળશે. આ પગાર સુધારણા માટે વાર્ષિક રૂપિયા ૩૮૭૧.૪૫ કરોડ, પેન્શનર્સ માટે ૧૩૬૧ કરોડ તથા જાન્યુઆરી થી ઓગસ્ટ સુધીના એરીયર્સ અંગે કર્મચારી માટે રૂ.૨૨૫૮ કરોડ તથા પેન્શનર્સના એરીયર્સ માટે રૂ.૧૦૧૭ કરોડ મળી કુલ રૂ.૮૫૧૩ કરોડનો વાર્ષિક ભારણ રાજ્ય સરકારને થશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x