વારાણસી એરપોર્ટ પર હાઈ-એલર્ટ: બેંગલુરુથી આવેલી ફ્લાઇટના નવ મુસાફરોની કોકપિટમાં ઘૂસવાના પ્રયાસ બદલ પૂછપરછ
બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ફ્લાઇટના બે મુસાફરોએ કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે કોકપિટનો સાચો પાસકોડ પણ નાખ્યો હતો, પરંતુ પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
IX-1086 ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે વ્યક્તિઓએ કોકપિટના દરવાજા પાસે આવીને સાચો પાસકોડ નાખી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. કેપ્ટનને પ્લેન હાઇજેક થવાનો ભય જણાતાં, તેમણે સુરક્ષાના કારણોસર દરવાજો ખોલ્યો ન હતો. પાઇલટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને આ ઘટનાની જાણ કરી અને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા.
વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પ્લેન સુરક્ષિત લેન્ડ થયા બાદ, CRPFના જવાનોએ કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર બે મુસાફરો સહિત કુલ નવ લોકોની અટકાયત કરી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસે આ મામલે તપાસ શરૂ કરી છે અને કહ્યું છે કે, સુરક્ષા માપદંડો સાથે ક્યારેય સમાધાન કરવામાં આવશે નહીં. હાલ આ તમામ લોકોની પૂછપરછ ચાલી રહી છે.