બિહાર મહાગઠબંધનમાં તણાવ: RJD અને કોંગ્રેસ વચ્ચે 5 બેઠકો પર સીટ વહેંચણીનો ગજગ્રાહ યથાવત્
બિહારમાં મહાગઠબંધન (RJD અને કોંગ્રેસ) વચ્ચે આગામી 2025ની વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણી અંગેનો ગજગ્રાહ યથાવત્ છે. મેરેથોન બેઠકો છતાં બંને પક્ષો વચ્ચે પાંચ બેઠકો – બાયસી, બહાદુરગંજ, રનીગંજ, કહલગાંવ અને સહરસા – પર કોઈ સમાધાન થઈ શક્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ પણ પક્ષ આ વિવાદિત બેઠકો છોડવા તૈયાર નથી. RJD ઈચ્છે છે કે કોંગ્રેસ કહલગાંવ અને બહાદુરગંજ બેઠકો છોડી દે, જ્યારે કોંગ્રેસ રનીગંજ, સહરસા અને બાયસી બેઠકો પર દાવો કરી રહી છે. આ તમામ પાંચ બેઠકો પર 2020ની ચૂંટણીમાં મહાગઠબંધનનો પરાજય થયો હતો.
આ વિવાદ વચ્ચે RJD એ કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વિના જ કહલગાંવ બેઠક પર એક યાદવ ઉમેદવારને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હોવાથી કોંગ્રેસ નારાજ છે. વધુમાં, તેજસ્વી યાદવે બુધવારે સંભવિત RJD ઉમેદવાર (રજનીશ યાદવ) સાથે આ જ બેઠક પરથી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી, જેના કારણે કોંગ્રેસની નારાજગી વધુ વધી છે. ગઠબંધનમાં અન્ય સહયોગી પક્ષોની સંખ્યા વધવાથી સીટ ક્વોટામાં કાપ મુકાયો હોવાથી આ વિવાદ વધુ ગુંચવાયો છે.