ગુજરાત PTC એડમિશન કૌભાંડ: એડમિશન માટે રૂ. 2 લાખની માંગણી, 1 લાખ ઉચ્ચ અધિકારીઓને પહોંચાડવાનો ખુલાસો
ગુજરાતની પીટીસી (PTC) કોલેજોમાં એડમિશન પ્રક્રિયામાં કથિત ભ્રષ્ટાચારનો વધુ એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયો પુરાવા રજૂ કરીને દાવો કર્યો છે કે, કોલેજો દ્વારા મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2 લાખ સુધીની માંગણી કરવામાં આવી રહી છે.
સૌથી ગંભીર ખુલાસો એ છે કે, અમદાવાદની કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર નામની સંસ્થાના ટ્રસ્ટીએ વીડિયોમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે માંગવામાં આવેલી રકમમાંથી રૂ. 1 લાખ રાજ્યના ઉચ્ચ સરકારી અધિકારીઓને પહોંચાડવાના થાય છે. આ વિવાદ વધતા હવે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.
વળી, આ કૌભાંડમાં ઉત્તર બુનિયાદી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાનો પણ આક્ષેપ છે. એડમિશન આપીને ફી લીધા બાદ ‘નિયમ નથી’નું બહાનું કાઢીને તેમના પ્રવેશ અચાનક રદ કરી દેવાયા હતા. આ ઉપરાંત, લોકમાન્ય કોલેજના પ્રિન્સિપાલ ગૌરાંગ પરમાર પર પણ શિક્ષણ વિભાગના ‘એજન્ટ’ તરીકે કામ કરવાનો અને રાતોરાત કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.